વિજેતા ખેલાડીઓને 32 હજારશ સુધીના ઇનામો આપી સન્માનિત કરાયા
રમત-ગમતના ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેલાડીઓની પ્રતિભા પારખીને તેને યોગ્ય દિશા અને પ્રોત્સાહન પુરુ પાડવા જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ હંમેશા સક્રિય ભૂમિકા ભજવે છે. તાજેતરમાં તા. ૨૬ ડિસેમ્બર થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન રાજકોટના શ્રોફ રોડ ઉપર આવેલ બેંકર્સ ક્લબ ખાતે યોજાયેલ રાજકોટ ડિસ્ટ્રીકટ કેરેમ એસો. દ્રારા આયોજીત ત્રિ-દિવસીય ઓપન સોરાષ્ટ્ર કેરમ ટુર્નામેન્ટમાં જયોતી સી.એન.સી.નો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ ટુર્નામેન્ટમાં રાજયના કચ્છ-ભુજ, જામનગર, ભાવનગર, ગોંડલ વગેરે જીલ્લાઓમાંથી વિવિધ વય જૂથના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની કુશળતા, એકાગ્રતા તથા ખેલભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કેરમ ટુર્નામેન્ટ માટે બહારગામના આવેલ તમામ ખેલાડીઓને રહેવા તથા જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં સીંગલ્સના ૯૬ તથા ડબલ્સના ૫૬ ખેલાડીઓ મળીને ૧૫૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ ઈનામો તથા અન્ય ઇનામો આપવામાં આવેલ હતા.
સીંગલ્સમાં પ્રથમ સ્થાને અજાઝ શિવાની (ગોંડલ), દ્વિતીય સ્થાને જીજ્ઞેશ સોલંકી (ગોંડલ), તૃતીય સ્થાને જયેશ ભુવા (રાજકોટ) અને ચોથા સ્થાને અજય દત્તાણી (રાજકોટ) એ જીત હાંસલ કરી હતી. જ્યારે ડબલ્સમાં પ્રથમ ક્રમાંકે મહેબૂબ શિવાની (ગોંડલ) અને મહેન્દ્ર સોઢા (રાજકોટ), દ્વિતીય સ્થાને અર્જુન પંડિત અને સાગર વાઘેલા (રાજકોટ), ત્રીજા સ્થાને અજાઝ શિવાની અને હિતેશ પારેખ (રાજકોટ) અને ચોથા ક્રમે હરીશ મોનાણી અને જય ગુસાણી (જામનગર) ની ટીમ વિજેતા રહી હતી. આ ટુર્નામેન્ટમાં અજય દત્તાણી અને શ્યામ પરમારનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ હતું. તમામ ગેમ દરમ્યાન ચીફ રેફરી તરીકે અજીત ઝીબા એ સેવા આપી હતી. કેરમ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવા જયોતી સી.એન.સી.ના પ્રતિનિધી કૌશીકભાઇ સોલંકી, બેંકર્સ રીક્રીએશન કલ્બના ટ્રસ્ટી એન.કે.આહીર અને પુનમ પંડીતના હસ્તે કુલ ૩૨,૦૦૦ જેવી રોકડ રકમ ઇનામ સ્વરુપે એનાયત કરવામાં કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટના સફળ આયોજન માટે રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસોસિએશનના હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસો.ના સભ્યો પુનમ પંડીત, ધર્મેન્દ્રસિંહ પઢીયાર, અજય દતાણી, હસમુખ કોટક, રાજુભાઇ બોરીચા, સંજયભાઇ દવે અને ધીરૂભાઇ પારેખ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, તેવું અખબારી યાદીમાં કેરમ એસો.ના સેક્રેટરી અજીત ઝીબાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી ૨૦૨૬માં ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન જ્યોતિ સી.એન.સી. તરફથી કરવામાં આવશે.


