કમોસમી વરસાદના 10 હજાર કરોડના પેકેજમાં લાભ આપવા માગ, બહેન-દીકરીઓના યૌનશોષણમાં કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ
બોટાદ જિલ્લાના ગઢડામાં આજે ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનમાં આર્થિક સહાય અને શ્રમિક પરિવારોની મહિલાઓની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ સાથે શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.માગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકીઆ આપવામાં આવી છે. સાથેસાથે આંદોલનને ઉગ્ર બનાવીને ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવી છે.
10 હજાર કરોડના પેકેજમાં હિસ્સાની માગ
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ સહાયમાં ભાગીયા તરીકે ખેતી કરતા શ્રમિકોનો સમાવેશ કરવામાં ન આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. શ્રમિકોએ જણાવ્યું હતું કે, તેઓ 200થી 500 કિલોમીટર દૂરથી આવીને 27થી 30 ટકા ભાગે જમીન વાવી ગુજરાન ચલાવે છે. પાક નિષ્ફળ જવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે, છતાં સરકારી સહાયથી તેઓ વંચિત છે.
શોષણ અને સુરક્ષા અંગે ગંભીર આક્ષેપ રે
લી દરમિયાન શ્રમિકોએ વહીવટી તંત્ર સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. શ્રમિક આગેવાનોના જણાવ્યા અનુસાર, ખેત મજૂરી કરતા શ્રમિકોની બહેન-દીકરીઓના યૌન શોષણની ઘટનાઓમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલટું, ન્યાય માંગવા બદલ શ્રમિકોને ડરાવવામાં અને ધમકાવવામાં આવતા હોવાનું નિવેદન કરવામાં આવ્યું છે.
આંદોલનની ચીમકી
ગઢડા રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગરમાયું હતું. ખેત શ્રમિક આગેવાન રાકેશ ભૂરિયાએ જણાવ્યું હતું કે, જો સરકાર શ્રમિકોની વેદના નહીં સમજે અને તાત્કાલિક સહાય જાહેર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


