ગૌવંશને કતલખાને લઈ જતી રિક્ષાને અટકાવવાનો પ્રયાસ કરનાર ગૌરક્ષક પર હિચકારો હુમલો
પંચનાથ સોસાયટીમાં છ શખસોએ મળીને મારપીટ કરી ; CCTV આધારે આરોપીઓની શોધખોળ શરૂ
અગ્ર ગુજરાત , રાજકોટ
રાજકોટ શહેરમાં ગૌવંશને કતલખાને લઈ જતી રિક્ષાને અટકાવવાના પ્રયાસ દરમિયાન ગૌરક્ષક પર છરીથી હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પંચનાથ સોસાયટી વિસ્તારમાં શનિવાર તા. 3 જાન્યુઆરીની રાત્રે આ બનાવ બન્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જીવદયા અને ગૌરક્ષાનું કાર્ય કરતા યુવાનોને ભેસવંશના પાડાને ગેરકાયદેસર રીતે કતલ માટે લઈ જવાની બાતમી મળી હતી. જેના આધારે પંચનાથ સોસાયટી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રે લગભગ 9:30 વાગ્યાના સમયે શેરી નંબર-16માંથી એક CNG પેસેન્જર રિક્ષા નીકળતા તેને અટકાવવામાં આવી હતી.
રિક્ષાચાલક ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ રિક્ષા અન્ય વાહન સાથે અથડાતા રોકાઈ ગઈ હતી. આ દરમિયાન રિક્ષાચાલકે ફોન કરી પોતાના સાથીઓને બોલાવ્યા હતા. ત્યારબાદ વસીમ ઉર્ફે વાસલો બેલીમ, અબુ ઉર્ફે આફતાબ બેલીમ, શાબાજ બેલીમ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખસોએ ગેરકાયદેસર મંડળી રચી ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં ગૌરક્ષક કિશનભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જેમાં શાબાજ બેલીમે છરી વડે જમણી બાજુ થાપાના ભાગે ઘા મારતા કિશનભાઈ લોહીલુહાણ બન્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ મામલે જયેન્દ્ર ઉર્ફે જેકી અનિલભાઈ ચંદવાણીયા (ઉ.વ. 31), રહે. આજીડેમ વિસ્તાર, દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાના CCTV દ્રશ્યો સામે આવતા પોલીસે તેના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસનો દોર તેજ કર્યો છે.


