જૂની ફરિયાદનો ખાર રાખી કડાના ઘા ઝીંક્યા, હદપાર હોવા છતાં બિન્દાસ ફરતો આરોપી પોલીસના રડારમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુર શહેરમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ ફરી એકવાર બેફામ ગુનાખોરી સામે આવી છે. નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેની પત્નીની નજર સામે જ હુમલો કરવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અગાઉ નોંધાયેલી ફરિયાદનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરીયાદમાં ખુલ્યું છે.
બનાવ અંગે નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય જગદીશભાઈ પુંજાભાઈ પારઘીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની પત્ની અને નાનકડા દીકરા શિવમ સાથે બાઈક પર ગેસનો બાટલો ભરાવવા જઈ રહ્યા હતા. નરસંગ ટેકરી રોડ પર ભાદર નદીના પુલના છેડે આવેલા ધાબી પાસે દીકરાને વાળ કપાવવા ઉતાર્યો હતો, તે દરમિયાન આરોપી અચાનક ત્યાં પહોંચી ગયો હતો.
ફરિયાદ મુજબ, આરોપીએ જૂના કેસનો ખાર રાખી ગાળો આપવાનું શરૂ કરી શરીરે ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન તેણે પોતાના હાથમાં પહેરેલ કડાથી યુવકની ડાબી આંખના નેણ ઉપર જોરદાર ઘા ઝીંક્યો હતો, જેથી લોહી વહેવા લાગ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો.
ઘાયલ યુવકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ, આશરે પાંચ મહિના અગાઉ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી, જે બાબતનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતા જોતા જેતપુર ઉદ્યોગનગર પોલીસએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેને હદપાર કરવામાં આવ્યો હોવા છતાં તે જેતપુરમાં ફરી ગુનાને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે.


