ટિકિટ ખોટી છે!, એરપોર્ટ પર 30 ડીલર્સ હેરાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાંથી બેંગકોક–પટાયા ફરવા નીકળેલા 30 વેપારીઓ માટે વિદેશ પ્રવાસની ખુશી એરપોર્ટ પર જ તૂટી પડી હતી. અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડે જ્યારે કહ્યું કે, “આ ટિકિટ માન્ય નથી,” ત્યારે સમગ્ર જૂથ હક્કાબક્કા રહી ગયું હતું. તપાસમાં બહાર આવ્યું કે ટૂર એજન્સીએ એક પણ એર ટિકિટ બૂક કરાવી જ નહોતી, જેને લઈને 14.82 લાખ રૂપિયાની ઠગાઈ થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
આ મામલે રાજકોટ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નં.1ના પૂર્વ ભાજપ પ્રમુખના પુત્ર દેવિનભાઈ કાંતિલાલ ખાણદર (ઉ.વ.27)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નવલનગર વિસ્તારમાં રહેતા રવિભાઈ અરજણભાઈ ગાધેર (સ્ક્યુબ સર્વિસિસ ટૂર એજન્સી)ને આરોપી બનાવવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, દેવિનભાઈ રૈયાગામ ખાતે ‘કાઠિયાવાડ પાઈપ્સ’ નામની ભાગીદારી પેઢી ચલાવે છે. પેઢીમાં તેમના ભાભી ક્રિષ્નાબેન ખાણદર અને હિરેન મનજીભાઈ પરમાર ભાગીદાર છે. વ્યવસાયિક પ્રોત્સાહન તરીકે, ડીલર્સ નિર્ધારિત ટાર્ગેટ પૂર્ણ કરે ત્યારે દર વર્ષે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
આ ક્રમમાં વર્ષ 2026 માટે 30 ડીલર્સને બેંગકોક–પટાયા લઈ જવાનું નક્કી કરાયું હતું. સ્ક્યુબ સર્વિસિસના એજન્ટ રવિભાઈ ગાધેરે જાન્યુઆરી-2026માં પાંચ દિવસ અને ચાર નાઈટની ટૂર માટે પ્રતિ વ્યક્તિ રૂ.40,400નું એસ્ટીમેટ આપ્યું હતું. શરૂઆતમાં રૂ.2.02 લાખ ડાઉન પેમેન્ટ ચૂકવ્યા બાદ હપ્તાવાર કુલ રૂ.14.82 લાખ રકમ તેને આપવામાં આવી હતી.
તા.04-01-2026ના રોજ દેવિનભાઈ 30 ટ્રેડર્સ સાથે અમદાવાદ પહોંચ્યા હતા. એ દરમિયાન રવિભાઈ “હજુ એક પેમેન્ટ બાકી છે” એવું કહી હોટેલ પાસે ઉતરી ગયો હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એરપોર્ટ પર પહોંચતા જ ટિકિટ ખોટી હોવાનું બહાર આવતાં સમગ્ર જૂથને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીએ એકપણ એર ટિકિટ બુક કરાવી નહોતી. ટૂર એજન્સી દ્વારા થયેલી ઠગાઈનો અહેસાસ થતાં પેઢી સંચાલકો ચોંકી ગયા હતા. જોકે, વેપારી પ્રતિષ્ઠાનો વિચાર કરી તેમણે ડીલર્સને નિરાશ ન થાય તે માટે અંતે પોતાની જ ખર્ચે નવી ટિકિટ બુક કરાવી 30 વેપારીઓને બેંગકોક–પટાયા પ્રવાસે મોકલ્યા હતા.
વિદેશ પ્રવાસ પૂર્ણ કરી રાજકોટ પરત આવ્યા બાદ દેવિનભાઈએ સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બોરીસાગર અને તેમની ટીમે આરોપી રવિભાઈ ગાધેર સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આરોપીના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે પણ તપાસ આગળ ધપાવી રહી છે.


