અમદાવાદ-ગાંધીનગર બાદ સુરતમાં પણ ટાઇફોઇડે લીધો અજગરભરડો, સુરતમાં પાણીના ૪૬૦૦ નમુના ફેઇલ
રાજકોટમાં ટાઇફોઇડ સામે આગોતરો જંગ
મનપાએ તમામ ૧૮ વોર્ડમાં 3૭ ટીમ ઉતારી, પાણીના સેમ્પલ લેવાની વ્યાપક ઝૂંબેશ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના પાટનગર-અમદાવાદમાં ટાઇફોઇડનો જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યા બાદ હવે ગુજરાતના અન્ય મહાનગરોમાં
પણ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. રાજકોટમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને મહાનગરપાલિકાની ટીમે શહેરના જુદા-
જુદા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સ્થળ પર જ
પ્રાથમિક ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાં 3૭ ટીમ ઉતારવામા આવી છે. બીજી તરફ સુરતમાંથી
ટાઇફોઇડના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. સુરતમાં થોડા સમય પહેલા લેવામાં આવેલા પાણીના 4600થી વધુ
નમૂના ફેલ થયા છે. દૂષિત પાણીના સેમ્પલ ફેલ આવતાં જ તંત્ર એક્શનમાં આવ્યું છે. તપાસમાં પાણી અને ડ્રેનેજ
લાઈનમાં લીકેજના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીજન્ય રોગ અટકાયતી પગલાંઓ,
સર્વેલન્સ અને રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવે છે. જાહેર જનતાને સલામત પાણી અને સ્વચ્છ વાતાવરણ પુરૂ
પાડવા તથા રોગચાળા અટકાયતી કામગીરી કરવા સારૂ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ,
તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરો તથા વોટર મેનેજમેન્ટ યુનિટના એન્જીનીયર, કેમીસ્ટ તથા અન્ય
સ્ટાફ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પીવાના પાણીને લગત રોગો, કલોરીનેશનની ગુણવત્તા, જાહેર
જનતાને વધુ આરોગ્યસભર સુવિધાઓ કઈ રીતે પૂરી પાડવી તેમજ રોગચાળો ફેલાતો કઈ રીતે અટકાવવો વગેરે બાબતે
ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજકોટ શહેરના તમામ વોડમાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં પાણી આવવાના સમયે ઘરની
મુલાકાત લઈ પીવાના પાણીના રેસીડયુઅલ કલોરીન ટેસ્ટીંગ ડ્રાઈવનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ. જે
અંતર્ગત તમામ વોર્ડમાં પીવાના પાણીની ગુણવત્તા તથા કલોરીનેશનની ગુણવત્તા ચકાસણી અર્થે સેમ્પલીંગની વ્યાપક
ઝૂંબેશ ઉપાડવામા આવી છે.
અમદાવાદના 26 વિસ્તારોને હાઈ રિસ્ક ઝોન જાહેર
વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાએ ડ્રેનેજની ફરિયાદોને આધારે 26 વિસ્તારોને હાઈ રિસ્ક ઝોન
જાહેર કર્યા છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, દરિયાપુર અને જમાલપુર જેવા વિસ્તારો તેમાં સામેલ છે.
ઝોન મુજબ જુદા-જુદા વિભાગોને પાણીના સેમ્પલ લેવા અને લીકેજ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
સાથે સાથે ખાદ્ય એકમો પર પણ કડક અને નિયમિત તપાસ હાથ ધરવાના આદેશ અપાયા છે.
ગુજરાતભરમાં 2025માં નોંધાયા હતા 13000થી વધુ કેસ
ચિંતાજનક બાબત એ છે કે, વર્ષ 2025માં રાજ્યમાં પાણીજન્ય રોગચાળાના 13 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ
આંકડા સાબિત કરે છે કે જો હવે કડક પગલાં નહીં લેવાય, તો દૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે મહામારી બની શકે છે.
આ આંકડા દર્શાવે છે કે, ગુજરાતની કહેવાતી વિકાસશીલ વાતો વચ્ચે લોકોને પીવાનું શુધ્ધ પાણી પણ મળતુ નથી અને
જીવલેણ કહી શકાય તેવા ટાઇફોઇડના રોગચાળા સામે રાજ્યનું આરોગ્ય તંત્ર ઉઘતુ ઝડપાયુ છે.
રાજકોટમાં ઝૂબેશનું આયોજન, બે દિવસની કામગીરી
વિગત – સંખ્યા
આવરી લેવામાં આવેલ વોર્ડની સંખ્યા – ૧૮
ટીમની સંખ્યા – ૩૭
કરવામાં આવેલ RC ટેસ્ટની સંખ્યા – ૩૫૮
પોઝીટીવ રીઝલ્ટ આવેલ RC ટેસ્ટની સંખ્યા – ૩૫૮
નેગેટીવ રીઝલ્ટ આવેલ RC ટેસ્ટની સંખ્યા – અત્યાર સુધીમાં – ૦


