ઉતરાયણે રાજકોટના આકાશમાં દેશ-ભક્તિનો રંગ છલકાશે
બજારમાં ઓપરેશન સિંદુર, ધુરંધર સહિતની પતંગોનું આગમન : ભાવમાં ૧૦ ટકાનો વધારો છતાં પતંગ રસીકોમાં ઉત્સાહનો માહોલ : મક્રરસક્રાંતીની ખરીદી શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉતરાયણના તહેવારને હવે ગણીયા ગઠીયા દિવસો જ બાકી રહ્યા છે. સીઝન માર્કેટ તરીકે જાણીતી સદર બજારમાં દોરીઓ અને પતંગોના સ્ટોલ લાગી ગયા છે. પતંગ રસીકો અત્યારથી જ દોરી અને પતંગો ખરીદવામાં વ્યસ્થ બન્યા છે. આ વર્ષે રાજકોટના આકાશમાં દેશ ભક્તિનો રંગ છલકાતો દેખાશે.
મકરસંક્રાંતિના તહેવારને હવે એક અઠવાડિયું જ બાકી છે, ત્યારે રાજકોટની સદર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ વખતે ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદી, ધૂરંધર ફિલ્મ, કાપડ, બાજ, છત્રી અને રોકેટ સહિતની પતંગ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ વખતે 10 ટકા જેટલો ભાવ વધારો થતાં પતંગનો પંજો રૂ. 20થી રૂ. 200 તો ફિરકી રૂ. 70થી રૂ. 1500માં મળી રહી છે. મકરસંક્રાંતિની ઉજવણી માટે રંગીલું રાજકોટ પ્રખ્યાત હોવાથી અહીં US અને મુંબઈથી પતંગરસિકો આવી પહોંચ્યા છે.
રાજકોટમાં 4 દાયકા જૂની સદર બજારમાં 500થી વધુ વેપારીઓને ત્યાં હાલ ખરીદીનો માહોલ જામ્યો છે. અહીંની પ્રખ્યાત પતંગ બજારના વેપારીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિને લઈને દર વર્ષે છેલ્લા દિવસોમાં ખરીદી થતી હોય છે, પરંતુ આ વખતે વહેલી ખરીદી થઈ રહી છે. આ વખતે પતંગમાં ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીના ફોટાવાળી, ધુરંધર ફિલ્મની સાથે કાપડની પતંગ પણ બજારમાં આવી ચૂકી છે. આ ઉપરાંત બાજ, નાની છત્રી અને રોકેટ સહિતની વેરાઈટી છે. બરેલીની પતંગનો ક્રેઝ આ વખતે વધારે જોવા મળી રહ્યો છે. પતંગરસિકો હરીફાઈ માટે ઉડાવતા હોય તેવી 5 ફૂટની પતંગ પણ અહીં ઉપલબ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂ.20થી રૂ.200 સુધીના પતંગના પંજાનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે દોરામાં શિવમ, RD અને ગજાનનની દોરી મળી રહી છે. ફિરકીની કિંમત રૂ.70થી લઈ રૂ. 1500 સુધીની છે. અમારા પતંગ અમદાવાદ અને નડિયાદ જ્યારે દોરી નડિયાદથી એક્સપોર્ટ થાય છે. આ વખતે ભાવમાં 8 ટકા જેટલો વધારો થયો છે કારણકે રો-મટીરીયલના ભાવ વધ્યા છે. સદર બજારમાં અંદાજે 500થી વધુ દુકાન હશે કે જ્યાં વેપારીઓ દ્વારા પતંગ અને દોરાનું વેચાણ કરવામાં આવતું હશે.
મુંબઈથી રાજકોટ મકરસંક્રાંતિની ઉજવણી માટે આવેલા મહિલાએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિની ઉજવણી ગુજરાતના રાજકોટમાં ખૂબ જ સારી રીતે થાય છે જેથી અમે અહીં આવ્યા છીએ. મુંબઈમાં પણ ઉતરાયણની ઉજવણી થાય છે, પરંતુ ગુજરાતની વાત તો અલગ જ છે. અહીં સુરત અને રાજકોટમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેથી અમે અહીં પતંગ ઉડાવી આ તહેવારનો આનંદ માણીશું.


