ઉપલેટાના માખીયાળા ગામના 21 વર્ષીય ભવદીપ મકવાણાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટા તાલુકાના માખીયાળા ગામમાં ધંધાકીય નિષ્ફળતાને કારણે એક યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 21 વર્ષીય ભવદીપ ગોબરભાઈ મકવાણાએ ગત તા.30 ડિસેમ્બરે પોતાના ઘરે ઝેરી દવા પી હતી. ગંભીર હાલતમાં પહેલા ઉપલેટાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે આશરે 6.45 વાગ્યે તેનું અવસાન થયું.
પ્રાપ્ત માહિતી મુજબ, ભવદીપ મકવાણા (ઉંમર 21, રહે. માખીયાળા, તા. ઉપલેટા) ખેતી કાર્ય બાદ શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ સતત પ્રયત્નો છતાં ધંધો ન ચાલતા તે માનસિક રીતે હતાશ થયો હોવાનું પરિવારજનો જણાવે છે. આ હતાશામાં તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
મૃત્યુની જાણ થતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીએ નોંધ કરી હતી અને તાત્કાલિક ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ભાયાવદર પોલીસની ટીમ રાજકોટ પહોંચીને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. મૃતક બે ભાઈમાં નાનો હતો અને અપરણિત હતો. આશાસ્પદ યુવાનના અકાળ નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં કરુણ માહોલ સર્જાયો છે.


