એલસીબીએ બે શખ્સોને દબોચી લીધા
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઉપલેટા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૂરલ એલ.સી.બી. પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જેમાં તા.૯/૧/૨૦૨૬ની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, તથા હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોષી અને અરવિંદસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, એક મારુતિ સુઝુકી XL-6 કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને બે શખ્સો આદર્શ સોસાયટીમાંથી નીકળી કોલકી રોડ તરફ જવાના છે. આ હકીકતના આધારે પોલીસે ઉપલેટા કોલકી રોડ પર આદર્શ સોસાયટી જવાના રસ્તે વોચ ગોઠવી હતી. રાત્રે આશરે ૧૧:૦૦ વાગ્યે બાતમી વાળી કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-03-MB-7421) ત્યાંથી નીકળતા પોલીસે તેને અટકાવી હતી અને તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી અજીત દીનેશભાઇ માંકડ (ઉ.વ. ૩૧) – રહે. ઉપલેટા બસસ્ટેન્ડ પાછળ, આદર્શ સોસાયટી, શેરી નં. ૩ તેમજ કીશન સંગ્રામભાઇ સોલંકી (ઉ.વ. ૩૧) – રહે. ઉપલેટા, સ્વામીનારાયણ સોસાયટી, ભગવતી પાર્ક-૧ ને ઝડપી લઈ પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૨૦૭ બોટલ – કિંમત રૂ. ૬૨,૭૪૦/- વાહન: મારુતિ સુઝુકી XL-6 કાર (નંબર GJ-03-MB-7421) – કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- મોબાઈલ ફોન: ૨ નંગ (એક આઈફોન અને એક સેમસંગ) – કિંમત રૂ. ૪૦,૦૦૦/-નો સમાવેશ થાય છે.


