દીકરી સાપ સાથે રમે છે, મને સોંપો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાંથી ઉદ્ભવેલા એક સંવેદનશીલ અને ચર્ચાસ્પદ કસ્ટડી વિવાદમાં 11 વર્ષીય સગીર દીકરીની કસ્ટડી મુદ્દે પિતા અને માતા વચ્ચેનો કાનૂની જંગ હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ગોંડલની ફેમિલી કોર્ટના ચુકાદા સામે ડોક્ટર પિતાએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેમાં ફાર્માસિસ્ટ માતા પાસે રહેલી દીકરીની કસ્ટડી પોતાની પાસે સોંપવાની માંગ કરવામાં આવી છે.
આ કેસમાં શરૂઆતમાં માતાએ ફેમિલી કોર્ટ ગોંડલમાં દીકરીની કસ્ટડી માટે અરજી કરી હતી. ફેમિલી કોર્ટે માતાની અરજી માન્ય રાખી દીકરીની વચગાળાની કસ્ટડી માતાને સોંપી હતી, જ્યારે પિતાને દર રવિવાર તેમજ ઉનાળુ, શિયાળુ અને દિવાળી વેકેશન દરમિયાન મર્યાદિત મુલાકાતની પરવાનગી આપી હતી.
હાઇકોર્ટમાં પિતા વતી દલીલ કરવામાં આવી હતી કે દીકરી પિતા પાસે હતી ત્યારે અભ્યાસમાં હોશિયાર હતી અને સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં પણ આગળ હતી. દીકરીને પ્રાણીઓ અને સરીસૃપો પ્રત્યે વિશેષ રસ હોવાનું જણાવતાં કહેવામાં આવ્યું કે તે યોગ્ય સાધનો અને માર્ગદર્શન સાથે એનિમલ રેસ્ક્યૂ જેવી પ્રવૃત્તિ શીખી રહી હતી. પિતાએ દલીલ કરી કે આ એક કુશળતા આધારિત અને શૈક્ષણિક રીતે લાભદાયી પ્રવૃત્તિ છે, જેને ફેમિલી કોર્ટે ખોટી રીતે અસુરક્ષિત ગણાવી હતી. પિતાએ વધુમાં આક્ષેપ કર્યો કે દીકરીનો પાસપોર્ટ માતા પાસે રાખવામાં આવ્યો છે, જેના કારણે વિદેશમાં યોજાનારી પ્રાણીઓના રેસ્ક્યૂ ટ્રેનિંગ માટે દીકરી જઈ શકી નથી. ફેમિલી કોર્ટના નિર્દેશ છતાં પાસપોર્ટ સંબંધિત દસ્તાવેજ રજૂ ન થવાનો મુદ્દો પણ અપીલમાં ઉઠાવવામાં આવ્યો હતો. પિતાનું કહેવું છે કે માતા હાલ બેરોજગાર છે અને દીકરીને શાળા બદલવી પડશે, જે તેની માનસિક સ્થિતિ પર અસર કરી શકે છે.
બીજી તરફ, માતા વતી રજૂઆતમાં જણાવાયું કે લગ્ન વર્ષ 2012માં થયા હતા અને દીકરીનો જન્મ 2014માં થયો હતો. વર્ષ 2020 પછી વૈવાહિક સંબંધોમાં તણાવ શરૂ થયો હતો. માતાએ દલીલ કરી કે ડોક્ટર પિતા વ્યવસાયના કારણે ઘણીવાર ઘરેથી દૂર રહે છે અને ઘરમાં કોઈ સ્થાયી મહિલા સભ્ય નથી. દીકરીનું સરીસૃપો સાથે રમવું અને સાપ સાથે સંપર્ક રાખવો સલામતીના દ્રષ્ટિકોણે ગંભીર બાબત હોવાનું માતાનું કહેવું છે.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે સગીર દીકરી હવે કિશોરાવસ્થામાં પ્રવેશી રહી છે, જેમાં માતાની ભૂમિકા અત્યંત મહત્વની બને છે. બાળકના સર્વાંગી ઉછેર માટે માત્ર તેની ઇચ્છા નહીં પરંતુ તેના ભવિષ્ય, સુરક્ષા, નૈતિક અને ભાવનાત્મક પાસાઓ પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. માતાની દીકરીની સંભાળ રાખવાની ક્ષમતામાં કોઈ નકારાત્મક મુદ્દો સામે આવ્યો નથી.
કોર્ટએ સ્પષ્ટ કર્યું કે દીકરીનું માતા સાથે રહેવું તેના હિતમાં છે, જોકે પિતાને મુલાકાતનો સંપૂર્ણ અધિકાર રહેશે. ફેમિલી કોર્ટના ચુકાદા સામે વધુ અપીલ કરવાની માંગ પર હાઇકોર્ટ દ્વારા છ અઠવાડિયાનો સ્ટે મંજૂર કરવામાં આવ્યો છે. આ કેસે ફરી એકવાર બાળ કસ્ટડીના મામલામાં માતા–પિતાની જવાબદારી, સુરક્ષા અને સંવેદનશીલતાને કેન્દ્રમાં લાવી છે.


