ફરજમાં રૂકાવટ કરી આપઘાતની ધમકી આપી
અગ્ર ગુજરાત, માંડવી
માંડવીમાં મસ્કા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન એકટીવા ચાલક પાસે લાયસન્સ માંગતા બે આરોપીઓએ પોલીસની ફરજમાં રુકાવટ કરી હુમલો કર્યો હતો. જે બાદ પોતાની ઉપર કાર્યવાહી થશે તો આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. બનાવને પગલે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પાંચુભા જાડેજાએ માંડવી મરીન પોલીસ મથકે આરોપી પ્રકાશ અમરશી કોલી અને હિમાંશુ અરવિંદગીરી ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 9 જાન્યુઆરીના રાત્રે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી સહીતની ટીમ મસ્કા ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન આરોપી પ્રકાશ એકટીવાથી આવતા તેને રોકાવ્યો હતો.
અને પોલીસે તેની પાસે લાયસન્સ માંગ્યો હતો. જેથી આરોપીએ ફોન કરી સહ આરોપી હિમાંશુને સ્થળ પર બોલાવ્યો હતો. ત્યારે બન્ને આરોપીઓએ ભેગા થઇને પોલીસકર્મીઓ પર હુમલો કરી ધકબુશટનો માર માર્યો હતો અને ભૂંડી ગાળો બોલી હતી. એ દરમિયાન આરોપી હિમાંશુએ પોતાની ઉપર કાર્યવાહી થશે તો પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી પણ આપી હતી. બનાવને પગલે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


