આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે? ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
તા.૧૨મી બાદ પવનની દિશા બદલાતા ઠંડીમાં રાહત મળશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતમાં આગામી 7 દિવસમાં હવામાન મિશ્ર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અને તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે જે આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે.
ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી 12 જાન્યુઆરી સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે. 14 જાન્યુઆરીથી ફેરફાર થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 12 જાન્યુઆરી બાદ પવનોની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
આગામી બે-ત્રણ દિવસ હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ઉત્તરાયણ (14 જાન્યુઆરી) ની આસપાસ તાપમાનમાં થોડો વધારો થતા ઠંડીનું જોર ઘટશે, પરંતુ પવનોની ગતિ પતંગબાજો માટે સાનુકૂળ રહેવાની શક્યતા છે.
મુખ્ય શહેરોની સ્થિતિ વિશે વાત કરીએ તો હાલમાં રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન નોંધપાત્ર રીતે નીચું ગયું છે. નલિયા અને અમરેલી: અહીં પારો 8 થી 9 ડિગ્રીની આસપાસ રહેતા સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જૂનાગઢ (ગિરનાર) માં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ અથવા 10 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.
આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. વરસાદની કોઈ જ શક્યતા નથી, પરંતુ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધુ જણાશે
એક જ દિવસમાં પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડતાં રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. સાત દિવસમાં બીજીવાર રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા. હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર રહ્યું, નલિયા,અમરેલી અને રાજકોટમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગયો છે. મદાવાદમાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8, વડોદરા તાપમાન નોધાયું જો કે દિવસ બાદ ઠંડી ઘટવાની શક્યતા છે.
૧૦ રાજયોમાં એલર્ટ : શાળાઓમાં રજા જાહેર કરાઇ
દિલ્લી અને ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. 10 રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ જાહેર કરાયુ છે. અનેક રાજ્યમાં શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં શીત લહેરનું એલર્ટ અપાયું છે. 12 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ ,રાજસ્થાન ,બિહાર સહિત કેટલાક રાજ્યમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.
૨૦૨૬માં પ્રારંભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે 2026 ના ચોમાસા વિશેની આ પ્રથમ અપડેટ છે અને અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે કોઈપણ વેધર એક્સપર્ટે આ પ્રકારની આગાહી કરી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ આગાહી સંપૂર્ણપણે લાંબા ગાળાના વૈજ્ઞાનિક પેરામીટર્સને આધારે કરવામાં આવી છે. આ એક વૈજ્ઞાનિક ઢબે અપાયેલી પ્રથમ અપડેટ છે.
ગોસ્વામીના અનુમાન મુજબ, 2026 માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત છે. જૂન મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનામાં પણ અતિ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, જૂન અને જુલાઈ એમ દોઢ મહિના સુધી અતિ ભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે 2026 ના ચોમાસાનો પ્રારંભ થશે. સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ કરતાં ઓછો વરસાદ પડી શકે છે.


