જાત મહેનત! રાજકોટની ૪૦થી વધારે સોસાયટીઓએ ફરિયાદથી કંટાળી જાતે જ સફાઇ ઝુંબેશ આદરી
અનેક વખત તંત્રનું ધ્યાન દોરવા છતાં કચરાના ઢગ અને ગંદકી રહેતા હાથે જ સાફ-સફાઇ શરૂ કરી : જાત મહેનતથી સોસાયટીઓ બની સ્વચ્છ અને આરોગ્ય પ્રશ્ન સુધર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મનપા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. પરંતુ સોસાયટીઓમાં સમયસર સફાઇ કરવામાં આવતી નથી. તેવી અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા શહેરની કેટલીક સોસાયટીઓ દ્વારા જાત મહેનત જીંદાબાદ સુત્રને સાર્થક કરી જાતે જ સફાઇ અભિયાન હાથ ધર્યુ છે.
સોસાયટીઓના લોકોના જણાવ્યા મુજબ રાજકોટની અંદાજે 50થી વધુ સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં રહેવાસીઓએ સફાઈની જવાબદારી જાતે સંભાળી લીધી છે. આ વિસ્તારોમાં વોટ્સએપ ગ્રૂપ બનાવી કચરો, ગંદું પાણી, તૂટેલી ડ્રેનેજ, ખુલ્લા પ્લોટમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ પર સતત નજર રાખવામાં આવે છે.
ઘણા વિસ્તારોમાં નાની સમસ્યા દેખાતાં જ સ્થાનિક સ્તરે ઉકેલ લાવવામાં આવે છે. ક્યાંક સ્વખર્ચે ડ્રેનેજ સાફ કરાવવામાં આવી છે, તો ક્યાંક ખુલ્લા ટાંકા બંધ કરાયા છે. પરિણામે મચ્છર ઉત્પત્તિ અટકી છે અને ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચામડીના રોગના કેસમાં ઘટાડો નોંધાયો હોવાનું સ્થાનિકો કહે છે.
આ અભિયાનમાં મહિલાઓ, વડીલો અને યુવાનો સૌ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ગંદકી ફેલાવનારને ટોકટાક કરવામાં આવે છે, જેથી વિસ્તારની સ્વચ્છતા જળવાઈ રહે. પહેલાં નાની સમસ્યા માટે દિવસો સુધી તંત્રની રાહ જોવી પડતી, હવે શરૂઆતમાં જ સમસ્યા અટકાવી શકાય છે.
આ નાગરિક ભાગીદારીથી એક મહત્ત્વનો બદલાવ એ છે કે, સફાઈને હવે ફક્ત તંત્રની જવાબદારી માનવામાં નથી આવતી. ‘સરકાર પહેલાં આપણે’ની ભાવનાથી ઊભેલો આ અભિગમ રાજકોટ માટે એક પોઝિટિવ મોડેલ બની રહ્યો છે. જો આ પહેલને વ્યાપક સમર્થન મળે, તો શહેર સ્વચ્છ રાખવામાં તંત્ર પરનો ભાર પણ ઘટી શકે છે.


