મેટોડામાં ગુમ થયેલા યુવકની જીઆઇડીસી વિસ્તારમાં કૂવામાંથી કોહવાયેલી લાશ મળી
અગ્ર ગુજરાત, રાજકોટ
મેટોડા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં ગુમ થયેલા યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મેટોડા ગેટ નં.3 પાસે કંપનીના ક્વાર્ટરમાં રહેતો મોહમ્મદ ઇમરાન મોહમ્મદમોઇન બિહારી નામનો યુવાન થોડા દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યો નહોતો. ગત સાંજે મેટોડા જીઆઇડીસીના સિલ્વર કારખાના પાછળ આવેલી વાડી વિસ્તારમાં કૂવામાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોએ તપાસ કરી હતી, જેમાં એક યુવાનની ફુલાયેલી અને કોહવાયેલી લાશ મળી આવી હતી.
મેટોડા જીઆઇડીસી
પ્રાથમિક માહિતી મુજબ, ઇમરાન બિહારી છ દિવસ પહેલાં પોતાના રૂમમાં હતો ત્યારે તેના ભાઈએ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આ દરમિયાન મનદુઃખ થતાં તે રૂમમાંથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેની કોઈ માહિતી મળી નહોતી. પરિવારજનોએ યુવકની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા અંતે આ કરુણ બનાવ સામે આવ્યો છે.
કૂવામાંથી લાશ મળવાની જાણ થતાં મેટોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. લાશની હાલત જોતા યુવકના મોતને કેટલાક દિવસ વીતી ગયા હોવાનું માનવામાં આવે છે. પોલીસ દ્વારા લાશની ઓળખ કરવામાં આવતા તે ગુમ થયેલા મોહમ્મદ ઇમરાન બિહારીની હોવાનું સ્પષ્ટ થયું હતું.
હાલ પોલીસ દ્વારા આ બનાવ આપઘાતનો છે કે પછી તેમાં કોઈ અન્ય સંજોગો કે કારણ સંકળાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારજનોના નિવેદન બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. આ ઘટનાથી યુવકના પરિવારજનોમાં શોક છવાયો છે અને વિસ્તારમાં પણ ગમગીનીનો માહોલ સર્જાયો છે.


