ખાખરાથળમાં પોલીસનો દરોડો : ૧.૬૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં બુટલેગરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. થાનગઢ પોલીસની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને સરકારી ફોરેસ્ટની જમીન નજીક ધમધમતી દેશી દારૂ બનાવવાની એક આખી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. હિરાણી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, ખાખરાથળ વિસ્તારમાં સરકારી જમીનનો લાભ ઉઠાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે ગત રાત્રિ દરમિયાન વોચ ગોઠવીને ખાખરાથળમાં રેડ કરી હતી. જ્યાં ગોવિંદ સારદિયા અને મુન્ના દેકાવડીયા નામના બે બુટલેગરોએ દેશી દારૂ બનાવવાનો આખો પ્લાન્ટ ઉભો કરી દીધો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. રેડ દરમિયાન પોલીસે અંદાજે 5,800 લીટર દેશી દારૂનો આથો અને તૈયાર દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પર જ દારૂ બનાવવા માટેના હજારો લીટર કાચા માલ (આથા) નો નાશ કર્યો હતો. થાનગઢ પોલીસની આ સફળ કામગીરીને પગલે સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.


