ગોંડલના યુવાને ‘સાયલન્ટ પાર્ટનર’ની વાતે વિશ્વાસમાં લઈ નાણા પડાવ્યા ; અન્ય રોકાણકારો પાસેથી અંદાજે 60 લાખ ઉઘરાવ્યાનો ખુલાસો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામના એક ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણ કરાવવાના બહાને રૂ.2.70 લાખની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. મિત્રતા કેળવી વિશ્વાસમાં લીધા બાદ ‘સાયલન્ટ પાર્ટનર’ બનાવવાની વાત કરીને રકમ પડાવી લેવાઈ હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. તપાસ દરમિયાન આરોપીએ અન્ય લોકોને પણ આવી જ રીતે ઝાળમાં ફસાવી કુલ મળીને આશરે રૂ.60 લાખ જેટલી રકમ મેળવી લીધાનું બહાર આવ્યું છે.
આ મામલે ચોરડી ગામે રહેતા 27 વર્ષીય મેઘરાજસીંહ મહાવીરસીંહ ઝાલાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે ભોજરાજપરા, ગોંડલ ખાતે રહેતા કરણ રાજેન્દ્ર બાલચંદાણીનું નામ આપવામાં આવ્યું છે. પોલીસએ છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, દોઢેક વર્ષ અગાઉ ફરીયાદીની કરણ બાલચંદાણી સાથે ઓળખાણ થઈ હતી. વાતચીત દરમિયાન આરોપીએ ફરીયાદી પાસે ખેતીમાંથી બચેલી રોકડ રકમ હોવાનું જાણી તેને ધીમે ધીમે વિશ્વાસમાં લેવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ગોંડલ શહેરમાં ‘એ.કે. મેન્સ એસેસરીઝ’ નામે દુકાન હોવાનો દાવો કરી ધંધામાં મોટો નફો હોવાનું સમજાવ્યું હતું. માત્ર રોકાણ કરશો તો સાયલન્ટ ભાગીદારી આપવાની, મહેનત પોતાની અને નફામાં ભાગ ફરીયાદીનો—એવી લાલચ પણ આપી હતી.
ગત નવેમ્બર માસમાં આરોપી ચોરડી ખાતે ફરીયાદીના ઘરે આવી ધંધામાં તાત્કાલિક રોકાણ માટે પૈસાની જરૂર હોવાનું કહી રૂ.2.70 લાખ રોકડ લઈ ગયો હતો. બાદમાં પૈસા પરત માંગતા આરોપીએ રોકાણ યથાવત રાખવા કહી દર મહિને નફો આપવાની વાત કરી અને નોટરાઇઝ્ડ લખાણ પણ કરાવ્યું હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ છે.
સમય જતાં ફરીયાદીને પોતાની રકમની જરૂર પડતાં તેણે પૈસા પરત માંગ્યા, પરંતુ આરોપી ટાળટૂળ કરવા લાગ્યો. તપાસ દરમિયાન ખબર પડી કે આરોપીએ નિલેશભાઈ બાબુભાઈ જેતાણી, અજયભાઈ સંજયગીરી ગોસ્વામી સહિત અન્ય ઓળખીતાઓ પાસેથી પણ ધંધાના નામે મોટી રકમો ઉઘરાવી હતી. દીવાળી દરમિયાન ધંધાની તેજીનું કારણ આપી આરોપીએ વધુ સમય માંગ્યો હતો અને વધુ વળતર આપવાની વાતો કરી હતી.
પછી જાણવા મળ્યું કે આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ લોકો પાસેથી અંદાજે સાઠ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ યેનકેન પ્રકારે મેળવી લીધી છે. આ ખુલાસા બાદ ફરીયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અને અન્ય પીડિતોની વિગતો એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


