પતિના સતત શારીરિક-માનસિક અત્યાચારથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે દાંપત્ય જીવનમાં ચાલતા ત્રાસે એક પરિણીતાનું જીવન લઈ લીધું. પતિ દ્વારા અવારનવાર થતા શારીરિક અને માનસિક અત્યાચારથી કંટાળી યુવતીએ ઝેરી દવા પી આત્મઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેણીનું મોત થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
બનાવ અંગે ભાડલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાડલા ગામે રહેતા વશરામભાઈ ભાયસિંગભાઈ મણદોરીયાએ પોતાના જમાઈ વનરાજ વશરામભાઈ સાઢમિયા (રહે. બોઘરાવદર ગામ) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની પુત્રી સરિદાના એક વર્ષ પૂર્વે વનરાજ સાથે સામાજિક રીતિરીવાજ મુજબ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ પતિ-પત્ની અલગ રહી જીવન શરૂ કર્યું હતું.
પરંતુ લગ્નના થોડા સમયમાં જ પતિ દ્વારા શારીરિક મારપીટ અને માનસિક સતામણી શરૂ થઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. ગૃહકંકાસ વધતા પરિણીતા પોતાના વૈવાહિક જીવનને બચાવવાના આશયથી ત્રાસ સહન કરતી રહી, પરંતુ સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી હતી. અંતે ત્રાસથી કંટાળી તેણી માવતરે રહેવા જતી રહી હતી. ત્યાં પણ પતિ ફોન દ્વારા સતત માનસિક દબાણ બનાવતો હોવાનું જણાવાયું છે.
આ પરિસ્થિતિઓ વચ્ચે ગત તા. 18-01-2026ના રોજ સાંજના સાડા સાત વાગ્યે યુવતીએ માવતરનાં ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેણી બચી શકી નહોતી.
પુત્રીના નિધન બાદ પિતાએ ભાડલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સામે બીએનએસની કલમ 108 અને 85 હેઠળ ‘મરવા મજબૂર કર્યાનો’ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર દાંપત્ય ત્રાસના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરે છે અને ઘરેલુ હિંસા સામે સમયસર કાયદાકીય મદદ લેવાની જરૂરિયાત રેખાંકિત કરે છે.


