મામૂલી ઠપકાએ માતાની મમતા છીનવી લીધી : પરિણીતાનો ઝેર પી આપઘાત
પડધરીના ખાખડાબેલામાં રસોડામાં તેલ ઢોળાતા પતિના ઠપકાથી દુભાઈ 27 વર્ષીય પરિતાએ પગલું ભર્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરી તાલુકાના ખાખડાબેલા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ઘરેલુ મામૂલી બોલાચાલી જીવલેણ બની ગઈ હતી. રસોડામાં રસોઈ દરમિયાન તેલ ઢોળાઈ જતાં પતિએ ઠપકો આપ્યો હતો, જેને કારણે દુભાઈ ગયેલી પત્નીએ ઝેરી દવા પી લેતા અંતે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, લીલા કલ્પેશભાઈ રાઠવા (ઉંમર 27, રહે. ખાખડાબેલા ગામની સીમ, તા. પડધરી) ગઈકાલે રાત્રે આશરે 9 વાગ્યાના સમયે પોતાના ઘરે હતી. તે સમયે રસોડામાં તેલના ડબ્બામાંથી તેલ કાઢતી વખતે ડબ્બો હાથમાંથી સરકી જતા ઉંધો વળી ગયો હતો, જેના કારણે મોટી માત્રામાં તેલ જમીન પર ઢોળાઈ ગયું હતું. આ બાબતે પતિએ તેને ઠપકો આપતા પતિ-પત્ની વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી.
આ ઘટનાથી માનસિક રીતે વ્યથિત બનેલી લીલાએ ત્યારબાદ ઘરમાં રાખેલી ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, ત્યારબાદ હાલત ગંભીર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.
મૃતક લીલાના લગ્નને ત્રણ વર્ષ થયા હતા અને તેને એક નાનકડો પુત્ર છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને હાલ ખાખડાબેલા વિસ્તારમાં ખેતમજૂરી કરી જીવનનિર્વાહ કરે છે. યુવતીના અચાનક આપઘાતથી પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાફડા સહિતની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


