ગોંડલ ભોજપરાના સરપંચ અને પરિવારને જમીન વિવાદમાં જાનથી મારી નાખવાની ધમકી
વોટ્સએપ કોલ પર અપશબ્દો અને વાહન માથે ચડાવી દેવાની ધમકી, લીમડી અને ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના સરપંચ વિપુલભાઈ પરમાર, તેમના પિતા અને નાના ભાઈને વાહન માથે ચડાવી મારી નાખવાની ધમકી અપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અપશબ્દો ભરેલા ફોન કોલ અને જીવલેણ ધમકીઓ મળતા લીમડી તેમજ ગોંડલ તાલુકા પોલીસ મથકે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભોજપરા ગામે રહેતા હિતેશ હરજીભાઈ પરમાર (ઉ.વ. 34), જે પાપડ અને ખારાના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 22 જાન્યુઆરી, 2026ના રોજ સાંજના સમયે ઘરે પહોંચ્યા ત્યારે તેમના પિતા હરજીભાઈએ અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવતા હોવાની વાત કરી હતી.
પિતા દ્વારા મળેલા ફોનના આધારે હિતેશે વોટ્સએપ કોલ ચેક કરતા તે નંબર પરથી ફોન આવ્યો હોવાનું જણાયું હતું. હિતેશે તે નંબર પર ફોન કરતાં સામે છેડે પોતાના ગામના કબીર રાજેશભાઈ પરમાર બોલતા હોવાનું બહાર આવ્યું હતું. વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદ અનુસાર કબીર પરમારે જમીન બાબતે ગમે તે રીતે નિકાલ કરી લેવાની વાત કરી અને ઇનકાર કરવામાં આવે તો ગાડી ચલાવી પિતાને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. સાથે જ તેણે અશ્લીલ અને અપમાનજનક શબ્દો બોલી ફોન કાપી નાખ્યો હતો.
આ ઘટના બાદ હિતેશે તાત્કાલિક 112 જનરક્ષકમાં ફોન કરી મદદ માગી હતી. તે દરમિયાન ફરી એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. આ વખતે ગામના કૌશિક અનીલભાઈ પરમાર વાત કરતા હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ કૌશિક પરમારે પણ ગાળાગાળી કરી “હવે કેમ જીવતો રહીશ તે જોઈ લઈશ” જેવી જીવલેણ ધમકીઓ આપી હતી, જેના કારણે હિતેશે ફોન કાપી નાખ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ભોજપરા ગામે આવેલી ભાગની જમીનને લઈ આશરે 40 જેટલા વારસદારોના નામ રેકોર્ડ પર ચડેલા છે. પરમાર પરિવાર પોતાની જમીન પર ખાતેદાર તરીકે રહેવા માંગે છે અને જમીન વેચવા તૈયાર નથી. જ્યારે સામે પક્ષે જમીન કોઈ પણ ભોગે વેચાવી દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે અગાઉથી બંને પક્ષે અવારનવાર અરજીઓ અને ફરિયાદો થઈ ચૂકી છે.
આ જ જમીન વિવાદને લઈ દુશ્મની રાખી સરપંચ વિપુલભાઈ પરમાર, તેમના પિતા અને ભાઈને ફોન દ્વારા ગાળો આપી અને વાહન માથે ચડાવી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાના દિવસે સરપંચ વિપુલભાઈ પરમાર અમદાવાદથી પરત આવી રહ્યા હતા ત્યારે લીમડી નજીક તેમને પણ ફોન કરી અપશબ્દો અને ધમકીઓ આપવામાં આવી હતી, જેને લઈને તેમણે લીમડી પોલીસ મથકે અલગ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે બંને ફરિયાદોના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જમીન વિવાદને લઈને સરપંચ અને તેમના પરિવારને જીવલેણ ધમકી મળવાના આ બનાવથી ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે.


