વિજય વિશ્વ તિરંગા પ્યારા : ઝંડા ઊંચા રહે હમારા
આન, બાન, શાન સાથે તિરંગો લહેરાયો
જિલ્લા કક્ષાની જેતપુર અને શહેર કક્ષાની પ્રજાસત્તાક પર્વની ચૌધરી હાઇસ્કૂલમાં ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં અને શહેરમાં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. શહેર કક્ષાની ચૌધરી હાઇસ્કૂલ અને જિલ્લા કક્ષાની જેતપુર ખાતે કરવામાં આવી હતી. ધ્વજવંદન પરેડ, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જવાનો અને અન્ય લોકોએ કરેલા કરતબોથી શ્રોતાઓ મંત્રમુગધ બન્યા હતા અને દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ૭૭મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કરીને, પ્રજાસત્તાક દિવસની શાન-બાન-આનથી ઉજવણી કરાઈ હતી. આ તકે ઉપસ્થિતોએ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની બેન્ડ સુરાવલી સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીએ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પરેડ કમાન્ડર પ્રોબેશનરી આઇ.પી.એસ. ઓફિસર પ્રખરકુમાર અને ઉપકમાન્ડર પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ મહિલા પોલીસ, અશ્વ દળ સહિત ગ્રામ્ય પોલીસ જવાનોની ૦૫ ટીમોએ બેન્ડ સૂરના તાલે શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ કરી હતી. આ તકે સખી કેન્ટીન-સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, સામાજિક વનીકરણ, ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી, રાહવીર યોજના, પશુપાલન, આયુષ્માન ભારત યોજના, અભયમ્ હેલ્પલાઇન, પા પા પગલી યોજના, સ્માર્ટ વિલેજ પાવર ગ્રીડ વીથ રીન્યુબલ એનર્જી, જનરક્ષક વાન, ક્વિક રિસ્પોન્સ ટીમ જેવી થીમ આધારિત ૧૧ જેટલા ટેબ્લોનું પ્રદર્શન કરીને લોકોને યોજનાકીય માહિતી અપાઈ હતી. ટેબ્લો પ્રદર્શિત કરનારી તમામ કચેરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘હિન્દ છોડો’ લડતમાં જોડાનારા સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ રાવલ અને ‘આઝાદ હિન્દ ફોજ’ના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. છગનભાઈ કટારીયાના પરિજનોને શાલ અને ચરખાની પ્રતિકૃતિથી સન્માનિત કરાયાં હતાં. ડોગ સ્કવોડ અને હોર્સ રાઇડિંગના દિલધડક કરતબો રજૂ થયાં હતાં, જેને નિહાળીને લોકો મંત્રમુગ્ધ થયા હતાં. દેશભક્તિપૂર્ણ માહોલમાં શાળાઓના વિદ્યાર્થીઓએ તલવાર રાસ સહિત ‘માઈ તેરી ચુનરીયા લહેરાઈ’, ‘સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્’ ગીતો પર સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ તથા કલાકારોએ ‘મોરપીંછાળા શ્યામ છોગાળા’ જેવા ગીતો પર અડિંગો રાસ અને હુડો રાસ રજૂ કર્યા હતાં. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા આશરે ૭૦ સરકારી કર્મયોગીઓને પ્રમાણપત્ર આપીને, તેમનું બહુમાન કરાયું હતું. મંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશને જિલ્લાના સ્વર્ણિમ વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ તકે મહાનુભાવોએ અશ્વોને ગોળ ખવડાવી, માનવતાવાદી અભિગમ દાખવ્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ વેળાએ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાંત અધિકારી રાહુલ ગમારા, મામલતદાર આશિષભાઈ બાકલખિયા, અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેરકક્ષાની ઉજવણી દેશભક્તિપૂર્ણ માહોલમાં રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી ડૉ. ચાંદની પરમારની અધ્યક્ષતામાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરાયું હતું તેમજ ઉત્તમ કામગીરી કરનારા વિવિધ વિભાગના ૨૫ જેટલા કર્મયોગીઓને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા.
ચૌધરી હાઈસ્કૂલ ખાતે સવારે નવ કલાકે રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી ડૉ. ચાંદની પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અધિકારી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ પોલીસ દળ, હોમગાર્ડસ તથા ગુજરાત ગર્લ્સ બટાલિયન-એન.સી.સી.ની ગર્લ્સ કેડેટસની પ્લાટુને શિસ્તબદ્ધ રીતે રજુ કરેલી માર્ચપાસ્ટે નાગરિકોમાં જુસ્સો ભરી દીધો હતો.
આ અવસરે દેશની સ્વતંત્રતા માટે ત્યાગ અને બલિદાન આપનારા રાજકોટના વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના સભ્યોનું સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં રાજકોટની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સુભાષ કન્યા વિદ્યાલય, કલ્યાણ હાઈસ્કૂલ, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ, ક્રિસ્ટલ સ્કૂલ દ્વારા સંગીતની સુરાવલીઓ સાથે વિવિધ દેશભક્તિપૂર્ણ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓએ લોકોના દિલ જીતી લીધા હતા. આ તમામ સ્કૂલોની કૃતિઓને બિરદાવાઈ હતી.
બાદમાં રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વિવિધ વિભાગોના ૨૫ જેટલા કર્મચારીઓ અને રમતગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારા વિવિધ રમતવીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીઓ તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મામલતદાર-પૂર્વ એન.પી. અજમેરા, મામલતદાર-પશ્ચિમ એ.એમ.જોશી, મામલતદાર-દક્ષિણ આર.કે. સરવૈયા, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાનો સ્ટાફ, છાત્રો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


