ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો
ટેન્ડર પ્રક્રિયા અને માપપોથીમાં ગેરરીતિ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને રાજકોટ તાલુકાઓમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY WDC 2.0) હેઠળ થયેલા જળસંચયના કામોમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. અરજદાર અને ભાજપના જૂના અને પીઢ કાર્યકર ચિરાગ વિપુલભાઈ ફળદુએ એકાઉન્ટ જનરલ (ઓડિટ-૧), રાજકોટને લેખિત પુરાવાઓ સાથે ફરિયાદ કરી છે કે, સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવામાં આવ્યા છે.
આ કૌભાંડમાં કાયદાકીય અને વહીવટી જોગવાઈઓનો સરેઆમ ભંગ થયો છે. યોજનાની માર્ગદર્શિકાના કાયદા મુજબ રૂ. ૪ લાખથી વધુના કોઈપણ કામ માટે અન્ય સરકારી વિભાગના સમાન કામ કરતા સક્ષમ ઈજનેર (કે લાયક ટેકનિકલ એક્સપર્ટ) પાસેથી તાંત્રિક મંજૂરી (Technical Sanction) લેવી ફરજિયાત છે. પરંતુ અહીં સત્તાનો ખુલ્લો દુરુપયોગ કરીને, સક્ષમ અધિકારીની તાંત્રિક મંજુરી લેવાયેલ છે પણ ગેરકાયદેસર રીતે તાંત્રિક મંજૂરીઓ બાદ ચાર લાખથી ઉપરના કામોના ખોટા કમ્પ્લીશન સર્ટિફિકેટ કાગળ પર બતાવી દેવાઈ છે.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, ટેન્ડર પ્રક્રિયામાં સૌથી નીચા ભાવ ભરનાર -૧૦.૧૧% નીચા ભાવની એજન્સી કામ કરી રહી હતી તે દરમિયાન નવું ટેન્ડર બહાર પાડીને તે કામ -૦૧.૫૫% ના ભાવે નવી એજન્સીઓને છૂપી રીતે વર્ક ઓર્ડર આપી જૂની એજન્સી અને નવી એજન્સી એમ બન્નેને કામ આપેલ અને જુની ઓછું કામ કરાવેલ અને નવી એજન્સી પાસે મુખ્ય અને મોટા કામ કરાવેલ હોવાનો પણ આક્ષેપ છે. ચેકડેમના કામોમાં ગુણવત્તાના નિયમોનો ભંગ થયો છે. જમીનનું ટેસ્ટિંગ (SBC), સરકારી જીઓલોજીસ્ટનો અભિપ્રાય કે સરકારી લેબ (GERI) માં ફરજિયાત ૧૦% ટેસ્ટિંગ કરાવ્યા વિના જ સીધા બીલો પાસ કરી દેવાયા છે.
માપપોથી (MB) માં સ્થળ પરના ખરા માપ લેવાને બદલે અંદાજપત્રની બેઠેબેઠી કોપી મારીને, અને લોખંડ વાપર્યા વિના માત્ર કાગળ પર કામો દર્શાવીને લાખો રૂપિયાનું ચૂકવણું કરી લેવાયું છે. ભૌગોલિક માપદંડો વિરુદ્ધ જઈને જ્યાં પાણીની સવલતો છે તેવા ગામોમાં ખોટી રીતે યોજના મંજૂર કરાવાઈ છે.
આ સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ માટે ગાંધીનગરથી મોકલવામાં આવેલા સિનિયર ઓડિટર રાકેશ જામુઆર પર અરજદારે લાંચ લઈને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઓડિટરના એકાઉન્ટ જનરલ અધિકારી અનુભવ કુમાર સિંઘને કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે આ બાબતમાં મોટું કૌભાંડ છે અને ઉપરથી નીચે સુધીના તમામ સામેલ હોવાનું પણ અરજદારે જણાવ્યું છે ત્યારે આ મામલે અરજદારે સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યુરોમાં તમામ આધાર પુરાવાઓ સાથે તમામ જવાબદારો સામે ફરિયાદ કરવાની તજવીશ શરૂ કરી છે.


