યુવકને ત્રણ લાખ જમા કરાવવા નિર્દેશ : છ સપ્તાહમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ : ૨૪ એપ્રિલે સુનાવણી
અગ્ર ગુજરાત, મહેસાણા
મહેસાણા જિલ્લામાં લિવઈનમાં રહેતા 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતીને પરિવારે છુટા પાડ્યા બાદ યુવક તરફથી હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરાતા કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને હાઈકોર્ટમાં બોલાવી કોર્ટે તેની ઈચ્છા જાણી હતી. ત્યારબાદ અલગ અલગ ધર્મના યુવક-યુવતીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હુકમ કર્યો હતો. સાથે જ જો ભવિષ્યમાં અલગ થાય તો સ્ત્રીની સુરક્ષા માટે તેના પક્ષમાં 3 લાખ રૂપિયા જમા કરાવવા પણ યુવકને હુકમ કર્યો છે.
આ કિસ્સો મહેસાણા જિલ્લાનો છે, જ્યાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેઓને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ બળજબરીપૂર્વકના અલગાવ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે. હાઈકોર્ટે યુવતીની ઈચ્છા જાણવા માટે તેને બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ પરિસ્થિતિ ઊભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને 03 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું.
તેણે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી પણ બાહેંધરી આપી હતી કે તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે.
હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ યુવતીનું બેંક ખાતું ન હોવાથી હાઈકોર્ટે રજિસ્ટ્રીને તેના નામે ખાતું ખોલવા અને ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ સમયાંતરે તેના ખાતામાં જમા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં આ કપલ અલગ થાય, તો 3 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ તેની આર્થિક સુરક્ષા માટે તેને સોંપી દેવામાં આવશે.
હાઈકોર્ટે વધુમાં યુવકને લગ્નનો ઈરાદો હોવાની નોટિસ આપવા અને 6 અઠવાડિયાના ગાળામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે સંબંધિત સરકારી અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો કે અરજદાર અને પ્રતિવાદીની લગ્નની અરજી પર પ્રક્રિયા કરે અને ખાતરી કરે કે તમામ જરૂરિયાતો પૂર્ણ થાય અને કાયદા અનુસાર લગ્ન સંપન્ન થાય.
હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 24 એપ્રિલ પર મુલતવી રાખી છે અને યુવતીને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં રહેવાનું ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. તેને લગ્નની નોંધણીની વિધિઓ પૂરી કરવા માટે અરજદાર યુવક સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને તેને જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૂરા પાડવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
સુરત શહેરમાં સામાજિક સેવાના નામે કાર્યરત યશવી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહઠ કરતા વિવાદ સર્જાયો છે. જે યુવક અને યુવતીના લગ્ન કરાવવાનો સંસ્થાએ ઈન્કાર કર્યો છે તેના દ્વારા સંસ્થા પર ગંભીર આક્ષેપ કરાયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યશવી ફાઉન્ડેશને TRP મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યો છે. સંસ્થાના કારણે તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યાનો દાવો કરાયો છે. ફરહાએ વીડિયોમાં કહ્યું છે કે, પોતાની જિંદગી બરબાદ કરવા બદલ યશવી ફાઉન્ડેશનનો આભાર.


