રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો
બે શખ્સોની ધરપકડ, એક આરોપી ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રોહિબિશન હેઠળ ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની હેરફેર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરની પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે રેલનગર વિસ્તારમાં દરોડો પાડી ભંગારના ડેલામાંથી તેમજ ઓટો રિક્ષામાંથી મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી બે શખ્સોને ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક દ્વારા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાનમાં પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે 150 ફૂટ રિંગ રોડ પર નાયરા પંપ પાછળ આવેલા રેલનગર વિસ્તારમાં માતૃ એસ્ટીલા હાઇરાઇઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી તેમજ ત્યાં પાર્ક કરેલી ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વિસ્કીની 180 એમએલની કુલ 48 બોટલો ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસે આ મામલે આરીફભાઇ સલીમભાઇ જુણેજા (ઉ.વ.40, રહેવાસી પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ) અને હરદેવ યાદવ (ઉ.વ.42, હાલ રેલનગર વિસ્તાર, મૂળ બિહાર)ની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અશોક મારવાડી નામના આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો, ઓટો રિક્ષા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.16,93,928નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર કાર્યવાહી પી.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલિયા અને તેમની ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.
આ બનાવ અંગે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


