ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
ગેરકાયદેસર ઘરેલું ગેસ સિલિન્ડરના વપરાશ સામે લાલ આંખ
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ ડેપ્યુટી કલેક્ટર રાહુલ ગમારા તથા સીટી મામલતદાર ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સતત બીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પુરવઠા વિભાગની ટીમે શહેરની જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ્સ, ફરસાણની દુકાનો અને ખાણી-પીણીની રેકડીઓ પર અચાનક દરોડા પાડ્યા હતા.નનાયબ મામલતદાર કે.એમ. ચાવડા અને તેમની ટીમ દ્વારા વ્યાપારિક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી કે ત્યાં કોમર્શિયલને બદલે ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ પણ પુરવઠા વિભાગની સાથે જોડાઈ હતી.
ગઈકાલ બાદ આજે ફરી બીજા દિવસે પણ પુરવઠા વિભાગે આક્રમક મૂડમાં ચેકિંગ ચાલુ રાખતા નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ જણાતા સિલિન્ડરો જપ્ત કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


