દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ગંગા આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવતા ભાવિકો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ, દિવ્યધામ ખાતે શકિતના સાનિધ્યમાં ગિરીબાપુના વ્યાસાસને ચાલી રહેલ શિવ કથામાં હજારો ભક્તોએ લાભ લીધો. ગીરી બાપુના મુખેથી ચાલી રહેલ શિવ કથામાં શક્તિ દ્વારા શિવના મહિમાની સવિશેષ ઝાંખી કરવામાં આવી રહી છે, આ ઝાંખીનો લાભ લેવા હજારો ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો છે. શિવ કથામાં હરિદ્વારના પરંપરાગત બ્રાહ્મણો દ્વારા દરરોજ ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે, આ અનેરો લ્હાવો લઈને ભક્તો કૃતાર્થ થઈ રહ્યા છે. દિવ્યધામ પટાંગણમાં નિર્માણ પામેલ ભવ્ય દિવ્યભવનનું ગિરીબાપુના કરકમલો દ્વારા લોકાપર્ણ કરાયું.
શિવ કથા દરમિયાન અનેક સામાજિક કાર્યો થઈ રહ્યા છે જેવા કે જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, યુવા તેમજ વડીલો વ્યસનથી દૂર રહે તે માટે વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે.
શિવ કથા દરમિયાન અનેક રાત્રી કાર્યક્રમો યોજાયા, જેમાં જોઈએ તો સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકસાહિત્યકાર રાજભા ગઢવી, લોક ગાયિકા શ્રુતિ પટેલ અને લોક ગાયક માનસિંહ ગોહિલનો ભવ્ય લોક ડાયરો તેમજ લોક સાહિત્યકાર આશિષ વઘાસિયા તેમજ લોક ગાયિકા મિતલ દ્વારા અલૌકિક રાસોત્સવ યોજાયો.
શિવ કથા દરમિયાન ભવ્ય દિવ્ય ધામ નિર્માણ માટે ઓછામાં ઓછું એક ઘન ફૂટ પથ્થરનું દાન આપીને નિર્માણ કાર્યમાં સહભાગી થઈ શકે છે.
શિવ કથા દરમિયાન સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી છે. આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી -બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, તેમજ અનેક રાજકીયમાં મહાનુભવો, સમાજ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી છે. હજુ તારીખ 27 માર્ચ સુધી ચાલી રહેલ શિવકથાનો લાભ ગીરીબાપુના મુખેથી વહેતો રહેશે, તો ભક્તજનોને લાભ લેવા આમંત્રણ છે.


