વિધાનસભામાં CID ક્રાઇમે આપેલો હજમ ન થાય તેવો જવાબ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
૨૦૧૦ થી ૨૦૨૨ સુધીમાં ૬૫૧૦.૫૪ કિલો ઝડપાયેલા જથ્થામાંથી ૪૧૭૭.૮૬ કિલોનો નિકાલ બાકીનો ૨33૨.૬૮ કિલોનો હિસાબ જ ન મળ્યો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના માથે 3.80 લાખ કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ આવે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તે કોઇ કહેતું નથી.
ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 12 વર્ષમાં પોલીસે પકડેલાં ડ્રગ્સમાંથી 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં અને ચોર ચોરી ગયાં. વાત આશ્ચર્યજનક લાગે તેવી છે, પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે.
કેગે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે, એડીજીપી સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધીના લગભગ બાર વર્ષના ગાળા દરમિયાન કુલ 6,510.54 કિલો અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે મોટાપાયે ઓગસ્ટ 2021થી નવેમ્બર 2024 સુધીમાં આ ડ્રગ્સનો નિકાલ કર્યો. જોકે ઓક્ટોબર 2022થી જુલાઇ 2023 દરમિયાન નિકાલ કરાયેલો જથ્થો 4,177.86 કિલો નોંધાયો. આમ તેમાં જપ્ત કરાયેલાં જથ્થા કરતાં 2,332.68 કિલો એટલે કે 35 ટકા જથ્થાનો તફાવત હતો.
આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, લગભગ 144.180 કિલો ગાંજો તેમાંથી ચોરી થઇ ગયો, જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં. આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યાં તેથી તેમાંથી ભેજ શોષાઇ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઇ. કેગે નોંધ્યું કે, આટલાં મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની આવાં કારણોસર ઘટ આવી શકે પણ આટલાં મોટાં પ્રમાણમાં આવેલો તફાવત પુનર્વિચાર માગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઇ છે.
કેગ દ્વારા પોતાના અહેવાલમાં એક તસવીર રજૂ કરવામાં આવી છે જે પોલીસ સ્ટેશનનો એક સાવ નકામો ઓરડો હોય તેવું લાગે છે. આ ઓરડામાં જ પકડાયેલું ડ્રગ્સ રાખવામાં આવતું હોવાનું પોલીસે કેગને જણાવ્યું હતું.


