વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સ્વયંસેવકોનું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની કે.એસ.એન. કાંસગરા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના સ્વયંસેવકો માટે એક પ્રેરણાદાયી વિદાય સમારોહ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક સેવા આપનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભાવભીની વિદાય આપવાનો હતો.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટકે વિદ્યાર્થીનીઓને ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોલેજ પરિવાર હંમેશા તમારી સાથે છે, અને જ્યારે પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યારે સંસ્થાને અચૂક યાદ કરજો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને અભિનેતા હર્ષલ માંકડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી અને રોચક શૈલીમાં વિદ્યાર્થીનીઓને જીવનના વિવિધ તબક્કે આવનારા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો તે અંગે ખૂબ જ સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર સ્વયંસેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ‘બેસ્ટ વોલેન્ટિયર’, ‘બેસ્ટ ગ્રુપ લીડર’ અને ‘બેસ્ટ ઉપલીડર’ ના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જે વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય સ્તરના કેમ્પ તથા પરેડમાં પસંદગી પામી કોલેજનું નામ રોશન કર્યું છે, તેમને પણ ખાસ એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. ગઢિયા ટ્વિન્કલ પી.એ પ્રી.આર.ડી.કેમ્પ ,રાજ્ય સ્તરની પરેડ, રાષ્ટ્રીય સ્તરનો કેમ્પ અને બેસ્ટ ગ્રુપ લીડરએમ કુલ ચાર એવોર્ડ્સ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી હતી. તે જ રીતે, પરસાણા નિરાલીઅનેકાકડિયા ખુશ્બુએ પણ રાષ્ટ્રીય સ્તરના કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઈ સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું, જે બદલ તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સિવાય અન્ય અનેક વિદ્યાર્થીનીઓને પણ તેમની વિવિધ ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ્સ એનાયત કરી તેમના નેતૃત્વ અને સેવાના ગુણોને બિરદાવવામાં આવ્યા હતા.


