અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ અને પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાંથી અનેક પ્રકલ્પો આપ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે. અહીં સૌપ્રથમ તેમણે અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાના હેતનો હોંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, હાઉસિંગ બોર્ડ દ્વારા 80ના દાયકામાં બનાવવામાં આવેલ આવાસો જર્જરીત બનતા મકાનો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચતા તેમણે મકાનો ખાલી કરવાની જગ્યાએ રિપેરિંગ કરવા બાબતે મંજૂરી અપાવી હતી, જેના કારણે અનેક લોકો બેઘર થતા અટક્યા હતા. આ ઘટનાને લઇ હેતનો હોંકારો નામના કાર્યક્રમનું આયોજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના રહીશો દ્વારા 12 ફૂટના હાર અને સાફો પહેરાવી સન્માનપત્ર આપી મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાઉસિંગ બોર્ડના પ્રશ્નો અંગે અગાઉ પણ ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અંતે રાજુભાઇ દ્વારા આ મામલો મારા ધ્યાન ઉપર આવતા પ્રશ્નને હલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ રહીશોને જે કઈ પણ પ્રશ્ન હશે તે દૂર કરીશું.
મુખ્યમંત્રીનાં આજના કાર્યક્રમની માહિતી
બપોરે 12.30 કલાકે: અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતાં.
બપોરે 3.00 કલાકે: પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રાજકોટ મહાપાલિકાના રૂ. 207.31 કરોડના 5 પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 543.89 કરોડના કુલ 40 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં EWS-II પ્રકારના 1,010 આવાસોનું લોકાર્પણ અને 1,000 પરિવારોને ઘરના ઘરની ભેંટ આપવામાં આવી હતી.
સાંજે 4.15 કલાકે: મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ ખાતે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ લાભાર્થી વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે.
સાંજે 4.30 કલાકે: બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રી કરશે.


