રૂ.૧.૯ કરોડના મુદામાલ સાથે પાંચને દબોચી લેતી વિજિલન્સ
અગ્ર ગુજરાત, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સ્ટેટ વિજિલન્સની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે. ડીસાના આખોલ પાસે વોચ ગોઠવીને વિજિલન્સે બટાકા ભરેલા એક ટ્રકમાંથી અંદાજે ₹1 કરોડ 9 લાખની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, બુટલેગરો દ્વારા રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે નવો પેંતરો અજમાવ્યો હતો. ટ્રકમાં ઉપરના ભાગે બટાકાની ગુણીઓ ભરીને નીચે દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. વિજિલન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે આખોલ ચાર રસ્તા પાસે આ ટ્રકને અટકાવી તલાસી લેતા અંદરથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ ભરેલા આ ટ્રકને પકડાઈ ન જાય તે માટે તેની આગળ બે લક્ઝુરિયસ ગાડીઓ દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું. વિજિલન્સે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રક ડ્રાઈવર સહિત પાયલોટિંગ કરી રહેલા કુલ 5 શખ્સોને સ્થળ પરથી દબોચી લીધા હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને પાયલોટિંગમાં વપરાતી બંને ગાડીઓ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ડીસા રૂરલ પોલીસ મથકે ખસેડ્યો છે.


