ઋતિ ત્રિવેદી, હર્ષલ પંડયા અને અદિતી સોનીએ બાજી મારી
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા ત્રણ દાયકાથી ઈજનેરી વિદ્યાશાખામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આગવી ઓળખ ધરાવતી વી.વી.પી. ઈજનેરી કોલેજના છાત્રોએ ફરી એક વખત વીવીપીને પ્રખ્યાતિની ટોચ પર પહોંચાડેલ છે. “રાષ્ટ્રાય સ્વાહા, ઈદમ ન મમ્”ના ઉદ્દેશ સાથે વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે સતત પ્રયત્નશીલ એવી વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ પણ આ ઘડતરને સહર્ષ ઝીલી લે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પણ અહીં સુપેરે ધ્યાને લેવાય છે. રાષ્ટ્રીય AIUમાં વિજેતા થતા વીવીપીની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.
ફેબ્રુઆરી-૨૦૨૬માં યોજાયેલ ૩૯માં પશ્ચિમ ક્ષેત્રના AIU યુવા મહોત્સવમાં વીવીપી કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ શ્રુતિ ત્રિવેદી (૬ઠુ. સેમ. ઈ.સી.), હર્ષલ પડિયા (૬ઠુ. સેમ. આઈ.ટી.) તથા અદિતિ સોની (૮મું. સેમ. બી.ટી.) એ વન એક્ટ તથા સ્કીટમાં ભાગ લીધેલ હતો અને આ બંને પ્રતિયોગીતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ જ બન્ને ટીમ દ્વારા માર્ચ-૨૦૨૬માં ચેન્નઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય AIU ૩૯માં યુવા મહોત્સવમાં ભાગ લીધેલ હતો. અહીં પણ સ્કીટમાં શ્રુતિ ત્રિવેદી તથા અદિતિ સોનીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને મેદાન માર્યું હતું, જેમાં વન એક્ટ પ્લેનું શીર્ષક: “એક્સિડેન્ટલ ઇન્ફ્લ્યુએન્સર્સ” તથા સ્કીટનું શીર્ષક: “એક ગધે કી આત્મ કથા” હતું. આ બંને “વન એક્ટ પ્લે” તથા “સ્કીટ” સાર્થક વસાવડાસર દ્વારા તૈયાર કરાવવામાં આવેલ હતા.
વીવીપી કોલેજના પ્રિન્સીપાલ ડૉ. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કલબના કન્વીનર ડો. ચાર્મીબેન પટેલ, થીયેટર કલબના કો-ઓર્ડીનેટર પ્રો. અમિતભાઈ પાઠક, અન્ય કો-ઓર્ડીનેટર્સ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ સાથેના અથાગ પરીશ્રમને કારણે તેઓ આ સ્તર પર વિજેતા થયા છે.
વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર, ડો.નરેન્દ્રભાઇ દવે તથા ડો. નવીનભાઇ શેઠે શુભેચ્છાઓ પાઠવી છે.


