માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક
સરકારની માલીકીનું હોવા છતાં પૂરતી સહાયના અભાવે જાળવણી મુશ્કેલ બનતા જન્મ સ્થળની જર્જરીત હાલત: લોકોમાં રોષ
અગ્ર ગુજરાત, ભુજ
માંડવી શહેરમાં આવેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના આશરે 200 વર્ષ જૂના જન્મસ્થળની હાલત ચિંતાજનક બની છે. સરકાર માલિકીનું આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં હોવા છતાં તેની યોગ્ય મરામત અને જાળવણી માટે પૂરતી સરકારી સહાય મળતી નથી, જે આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે.
તા. 30 માર્ચે તેમની 96મી પુણ્યતિથિ નિમિત્તે અહીં પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ બાદ સ્થળની હાલત યથાવત રહી છે. સ્થાનિક સ્તરે જણાવ્યા મુજબ આ મકાનની જાળવણી માટે વાર્ષિક અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ જરૂરી છે, છતાં સરકાર તરફથી કોઈ નાણાં ફાળવવામાં આવતા નથી.અહીં લાઇબ્રેરી અને પુસ્તકાલય પણ કાર્યરત છે, પરંતુ કર્મચારીઓના પગાર તેમજ વીજળીના બિલ માટે પણ સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. પરિણામે “શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન” ના સભ્યો પોતાના સ્તરે ફંડ એકત્ર કરી સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. અગાઉ જીએમડીસી દ્વારા મકાનની મરામત કરાઇ હતી, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.
લગભગ એક વર્ષ પહેલાં ગાંધીનગરથી એન્જિનિયરની ટીમ સ્થળની મુલાકાતે આવી હતી અને જન્મસ્થળને નવી રીતે વિકસાવવાની ચર્ચા થઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. આજકાલ આ સ્થળ “શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક” તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં તેમના જીવનપ્રસંગો અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દર વર્ષે અહીં અનેક પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ મુલાકાતે આવે છે. દેશના મહાન ક્રાંતિકારીના આ ઐતિહાસિક જન્મસ્થળને યોગ્ય સંરક્ષણ અને વિકાસ મળે તે માટે સ્થાનિક સ્તરે તંત્ર પાસે માંગ ઉઠી રહી છે.


