ટુકડાધારા કાયદામાં સરકારનો ઐતિહાસિક સુધારો
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
૨૦ ગુઠાની મર્યાદા હટાવી ૧૦ ગુઠા જમીનનું ખરીદ-વેચાણ કરવાની પરવાનગી : રાજયપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી નવા સુધારા લાગુ કરાશે
૧3પ-ડીની નોટીસના સમયમાં ફેરફાર, 3૦ દિવસના પિરિયડને ઘટાડી ૭ દિવસનો કરાયો : રાજયના લાખો લોકોને મળશે ફાયદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે. ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જ્યારે 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની ‘પાકી એન્ટ્રી’ થશે.
રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.
વાઘાણીએ કહ્યું હતું કે, પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે. અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે.
વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે.
વાઘાણીએ ઉમેર્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો કાયમી અંત આવશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં 135-Dની 30 દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે 135-Dની નોટિસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો, જે માત્ર 135-Dના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે.
ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે. જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે.
નવો સુધારો શું કરાયો?
- એકસમાન નિયમ: સમગ્ર રાજ્યમાં હવે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરાયું (અગાઉ અલગ-અલગ વિસ્તારોમાં માપદંડો અલગ હતા).
- શહેરી મુક્તિ: મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ (AUDA, GUDA વગેરે)ના વિસ્તારોને ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્તિ.
- 10% પેનલ્ટી રદ: અગાઉ જંત્રીના 10% ભરીને પણ વ્યવહાર ફોક ગણાતો, જે હવે આપોઆપ કાયદેસર થશે.
શા માટે નિર્ણય લેવાયો છે?
- જટિલતા દૂર કરવા: જૂના કાયદાને કારણે લાખો ખેડૂતો અને ખરીદદારો કાયદાકીય ગૂંચવણમાં ફસાતા હતા.
- ટાઇટલ ક્લિયર કરવા: ‘બોનાફાઇડ’ (સાચા) ખરીદદારોની જમીનના ટાઇટલ ક્લિયર કરી તેમને માલિકી હક અપાવવા.
- વિકાસને વેગ આપવા: શહેરી વિસ્તારોમાં જમીન લે-વેચ અને બાંધકામની પ્રક્રિયાને અવરોધમુક્ત બનાવવા.
આ નિર્ણયથી કોને રાહત મળશે?
- ખેડૂતોને: નાના ટુકડા ધરાવતા લાખો ખેડૂતોને પેનલ્ટી વગર માલિકી હક મળશે.
- સામાન્ય નાગરિકોને: જેમણે વર્ષો પહેલા નાના પ્લોટ કે જમીન ખરીદી છે પણ નોંધ ચઢી નથી, તેમને મોટી રાહત.
- રિયલ એસ્ટેટ સેક્ટર: શહેરી વિસ્તારોમાં NA અને બાંધકામની મંજૂરી મેળવવી સરળ બનશે.


