જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
૧૧૫ બોટલ સહિત રૂ.૮.૮૬ લાખનો મુદામાલ જપ્ત
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના અભિયાન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પોલીસને મોટી સફળતા મળી છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારમાં ગુપ્ત ખાનું બનાવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને કુલ ₹૮,૮૬,૯૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જરની સૂચના અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી એ જેતપુર શહેરમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક ટાટા હેક્સા કાર (નંબર: GJ-05-RD-1987) માં દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસની વોચ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૧૫ બોટલો કિંમત ₹૪,૨૯,૫૨૦ જપ્ત કરી છે. તેમજ ₹૪ લાખની કિંમતની કાર, ૩ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹૮.૮૬.૯૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ગુનામાં પોલીસે જયેશભાઇ રવજીભાઇ ઠુમ્મર અને હિતેશભાઇ ખોડાલાલ પટેલ (બંને રહે. સુરત) ની ધરપકડ કરી છે. નોંધનીય છે કે હિતેષ પટેલ અગાઉ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પણ દારૂના બે ગુનાઓમાં સંડોવાયેલ છે. આ કેસમાં જેતપુર વેકરિયા નગરનો સાગર વિનુભાઇ વૈષ્ણવ નામના શખ્સનું નામ ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


