જેતપુરમાં ફરાર પ્રોહીબીશનનો રીઢો ગુનેગાર ડીસાથી ઝડપાયો
બે વર્ષથી પોલીસને કસરત કરાવતો હતો
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા એક રીઢા આરોપીને પોલીસે બાતમીના આધારે બનાસકાંઠાના ડીસા ખાતેથી ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર દ્વારા શરીર સબંધી, મિલ્કત સબંધી તથા પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા આરોપીઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્માની ટીમે તપાસ હાથ ધરી હતી.
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુના (ગુ.ર.નં. સી ૦૨૪૨/૨૦૨૪) માં આરોપી નંબર ૩ પંકજભાઇ નટવરલાલ ઉર્ફે નટુભાઇ ઠક્કર (ઉ.વ. ૪૯, રહે. અક્ષતમ-૫, ડીસા, મુળ રહે. વેજલપુર, અમદાવાદ) છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હતો. પોલીસની ટીમ તેની શોધખોળમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ સાંબળા અને વાસુદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ડીસા ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આરોપી પંકજ ઠક્કરને ડીસા મુકામેથી દબોચી લીધો હતો અને જેતપુર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી પંકજ ઠક્કર સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અગાઉ વાસદ પોલીસ સ્ટેશન (૨૦૨૧), આગથળા પોલીસ સ્ટેશન (૨૦૨૪), દસાડા પોલીસ સ્ટેશન (૨૦૧૩) અને લીંબડી પોલીસ સ્ટેશન (૨૦૧૯) માં પ્રોહીબીશન તેમજ અન્ય ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.શર્મા, પીએસઆઈ કે.બી.ગઢવી, તેમજ હેડ કોન્સ્ટેબલ નીલેશભાઇ, રાજુભાઇ, હિતેષભાઇ, અજયભાઇ, વાસુદેવસિંહ અને કોન્સ્ટેબલ ચેતનભાઇ તથા સંજયભાઇ સહિતની ટીમ જોડાઈ હતી.


