ટ્રાયલ કોર્ટના ચૂકાદાને યથાવત રાખતી હાઇકોર્ટ
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી
૧૧ શખ્સોને આજીવન કારાવાસની સજા : ગંભીર ઇજાગ્રસ્તોને રૂ.૫ લાખ અને સામાન્ય ઘાયલોને રૂ.૧ લાખનું વળતર તા.3૧ માર્ચ ૨૦૨૭ સુધી ચુકવવા હાઇકોર્ટનો આદેશ
૨૬ જુલાઇ ૨૦૦૮માં અમદાવાદમાં વિવિધ ૨૦ સ્થળો પર થયેલા ધમાકામાં ૫૬ નિર્દોષ લોકોના જીવ ગયા હતા, ૨૦૦થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા’તા
૧૮ આરોપીઓ નીચલી કોર્ટની સજા સામે હાઇકોર્ટમાં ગયા હતા, આજે ઐતિહાસિક સુનવણીમાં ચૂકાદો યથાવત
અગ્ર ગુજરાત, અમદાવાદ
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા.
26 જુલાઈ, 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો છે.
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી. DCP હર્ષદ પટેલ, સોલા PI, ગુજરાત યુનિવર્સિટી PI સહિતનો 120 પોલીસનો સ્ટાફ અને SRP તહેનાત કરાઈ હતી સાથે જ વીડિયોગ્રાફર પણ હાજર હતા. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટમાં તપાસ કરાઈ હતી.
અમદાવાદમાં 20 જેટલી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આરોપીઓ અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, કેરાલા, કર્ણાટક, સુરત, ભુજ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના રહેવાસી હતા. જેમની ઉપર IPCની હત્યા અને ગેરકાનૂની પ્રવૃતિઓ સહિતની કલમો, એક્સપ્લોઝીવ સબસ્ટેન્સ એક્ટની કલમો, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમો IT એક્ટની કલમો અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત કેસ નોંધાયો હતો.
આ કેસમાં 35 FIR નોંધવામાં આવી હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ 6 હજાર પુરાવા, 1163 સાક્ષીઓ તપાસીને 7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની પેપર બુક કુલ 7.88 લાખ પેજની છે. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો ઉપર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. હાઇકોર્ટમાં આજે આ કેસમાં ચુકાદો આપશે.
બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી.
26 જુલાઇ 2008 શનિવારે સાંજે 6.15થી 7.45 સુધીના 90 મિનિટના સમયગાળામાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં પ્લાન્ટ કરાયેલા બોંબબ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. એમાં સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં ત્રાસવાદીઓએ પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં બોંબબ્લાસ્ટ કર્યા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસને ઉકેલી તબક્કાવાર આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
૨૦૨૨માં નીચલી અદાલતે સજા કરી હતી
2008 અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.
હાલોલ અને કેરળમાં તાલીમ લીધી’તી
હાલોલ કેમ્પમાં 20 થી વધુ આરોપીઓએ ભાગ લીધો હતો. અહીં આરોપીઓ એક દરગાહ ખાતે ગયા હતા અને ત્યાંના મુસાફર ખાનામાં રોકાયા હતા. આરોપીઓ ગાડી અને બાઈકો લઈને ત્યાં પહોંચ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ અહીં ટ્રેકિંગ માટે આવ્યા છે. તેઓ વહેલી સવારે જંગલમાં નીકળી જતા હતા અને રાત્રે પરત આવતા હતા. આ ટ્રેનિંગની જગ્યાએ એક પછી એક આરોપીને લઈ જવાયા હતા.
આરોપીઓ જાન્યુઆરી, 2008માં હાલોલ કેમ્પમાં ગયા હતા. કયામુદ્દીન કેરાલા ખાતે યોજાયેલ આતંકી કેમ્પમાં પણ ગયો હતો. તેને ખબર હતી કે તેના પિતા તેને ગુજરાત નહીં જવા દે એટલે તેને પોતાના મોટા ભાઈને રફિયુદિનને આગળ ધરીને તેને સાથે લઈને ગુજરાત આવ્યો હતો. કૅમ્પમાં પહોંચ્યા બાદ રફીઉદિનને ખબર પડી હતી કે આ SIMIના કાર્યકરોનો કેમ્પ છે ,જે સંગઠનને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું છે. તેને એમ કે અહીં ધાર્મિક કાર્યક્રમ હશે. જેથી તે આ કેમ્પમાંથી નીકળી ગયો હતો.
બકરી ઈદના દિવસે ગુજરાતમાં આગામી સમયમાં SIMIનો કેમ્પ યોજાશે તેવું નક્કી થયું હતું. જેમાં SIMI સાથે સંકળાયેલ સફદર નાગોરી ગુજરાત આવ્યો હતો. તેને હાલોલની જગ્યા બતાવતા તેને તે પસંદ આવી હતી. હાલોલ કેમ્પમાં આરોપીઓ અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતાં. જેમાં કયામુદ્દીને પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની રીત શીખવી હતી. આ કેમ્પમાં જેહાદી ભાષણ અને જન્નતની વાતો કરવામાં આવી હતી. આરોપીઓએ ભીડ વાળી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનું આયોજન કર્યું હતું.


