એરપોર્ટ જૈન સંઘના આંગણે મુની મનકચંદ્રસાગર મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું
શાંતિનાથ દાદાના સ્મરણથી મળતી આત્માની શાંતિ વિશે સમજણ આપી
અગ્ર ગુજરાત, રાજકોટ
આજે એરપોર્ટ જૈન સંઘના આંગણે સુપાર્શ્વનાથ ધ્વજા કળશ યાત્રા સત્કાર યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ ઉમંગ સાથે પ્રવચન અનુષ્ઠાન થયું. જેમાં ઘણા ભાવુકો એ વ્યાખ્યાનમાં લાભ લીધો. પૂજ્ય મુની શ્રી મનકચંદ્રસાગર મહારાજ સાહેબે ફરમાવ્યું વિશ્વમાં જ્યારે જ્યારે કોરોના જેવી મહામારીઓ આવી છે ત્યારે ત્યારે સર્વ જીવોની શાંતિ અને સાતા માટે મહાચમત્કારી પ્રભુ શાંતિનાથ દાદા ના જ સ્તોત્રો વધુ બન્યા હોય એવો ઇતિહાસ છે. જેમ દીવો પ્રગટાવતા જ અંધકાર ઓજલ થઈ જાય તેમ દરેક વખતે દાદા શાંતિનાથનું સ્મરણ કરતાં મહામારી ઓજલ બની છે તથા સૌથી પ્રાચીન ભોપાવર તીર્થના શાંતિનાથ દાદા છે જે ૮૭ હજાર વર્ષ પૂર્વે મહારાજા કૃષ્ણએ બનાવ્યા હતા.
જે તીર્થમાં આજે પણ ધાર્મિક સંકલ્પ પૂર્ણ કરવા કંકુના ઉંધા સાથીયા કરાય છે અને જેવો સંકલ્પ પરિપૂર્ણ થાય પછી સીધા સાથીયા બનાવાય છે. તેમજ શ્રી શત્રુંજય તીર્થ ઉપરનું એકમાત્ર દેવે બનાવેલું દેરાસર છે, જે પણ દાદા શાંતિનાથજી પ્રભુનું છે. તેવું જ એક તીર્થ રતલામ થી ૩૦ કિલોમીટર દૂર સેમલીયાજી નામે પ્રસિદ્ધ છે. તેવા જ પ્રભાવશાળી શાંતિનાથજી એરપોર્ટ સંઘને પ્રાપ્ત થયા છે. ખૂબ ભક્તિ કરીને જન્મને સફળ કરો..


