હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે પોલીસની સઘન કાર્યવાહી; અત્યાર સુધી છ આરોપી, 18 દેશી હથિયારો અને 30 જીવતા કાર્ટીસ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના વેપાર સામે પી.સી.બી. દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ‘વેપન કાર્ટેલ’ના રેકેટમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી બે દેશી બનાવટની પિસ્ટલ, મોબાઇલ ફોન અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ પી.સી.બી.એ અત્યાર સુધી આ રેકેટના કુલ છ આરોપીઓને ઝડપી 18 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટીસ જપ્ત કરીને ગેરકાયદેસર હથિયારના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આગામી અષાઢી બીજની રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને ગુનાખોરી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે અગાઉ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી ‘વેપન કાર્ટેલ’ના પાંચ આરોપીઓને 16 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યા હતા. આ કેસમાં પકડાયેલા આરોપી પ્રદીપભાઈ અનકભાઈ કરપડાની પૂછપરછ દરમિયાન તેણે ગેરકાયદેસર દેશી હથિયારો સંદિપસિંહ પ્રભાતસિંહ પરમારને આપ્યા હોવાની મહત્વપૂર્ણ કબૂલાત કરી હતી. આ માહિતીના આધારે પી.સી.બી.ની ટીમે તપાસ આગળ વધારી સંદિપસિંહ પ્રભાતસિંહ પરમાર (ઉંમર 27, ધંધે વેપારી, રહે. વડ વાજડી, તા. લોધીકા, જી. રાજકોટ)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીના કબજામાંથી બે દેશી બનાવટની પિસ્ટલ કિંમત અંદાજે રૂ.20 હજાર, એક મોબાઇલ ફોન કિંમત રૂ.15 હજાર અને હ્યુન્ડાઇ આઈ-20 કાર (નંબર GJ-01-KW-0302) કિંમત અંદાજે રૂ.3.50 લાખ મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ધરપકડ બાદ પી.સી.બી.ની કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ છ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. તેમની પાસેથી કુલ 18 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટીસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ હથિયારો ક્યાંથી લાવવામાં આવતા હતા, કોને સપ્લાય કરવામાં આવ્યા હતા અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
આ સમગ્ર કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઈ મયુરભાઈ પાલરીયા સહિત પી.સી.બી.ના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસનું માનવું છે કે રથયાત્રા પૂર્વે ગેરકાયદેસર હથિયારોના રેકેટ પર કરાયેલા આ પ્રહારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની સફળતા મળી છે.


