પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત
વડીયાના ઢુંઢીયા ગામનો યુવાન શાપરથી નોકરી કરવા આવતો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા GIDC વિસ્તારમાં આવેલા એક ઔદ્યોગિક એકમમાં કામ દરમિયાન સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૨૮ વર્ષીય યુવાનનું કરૂણ મોત નીપજતાં શ્રમિક વર્ગમાં શોકની લાગણી ફેલાઈ છે. ક્રેઇનનો લોખંડનો ગડર અચાનક તૂટી જતાં તે સીધો યુવાનના માથા પર પડ્યો હતો, જેના કારણે તેને જીવલેણ ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢુંઢીયા ગામનો રહેવાસી અને હાલ શાપર-વેરાવળ ખાતે રહેતો મોહિતભાઈ ચીમનભાઈ સોલંકી (ઉ.વ. ૨૮) પીપલાણા GIDCમાં આવેલી જે.કે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત રવિ એન્જિનિયરિંગ કંપનીમાં ક્રેઇન સંબંધિત કામગીરી કરતો હતો. મંગળવારની મોડી રાત્રે આશરે ૧૧ વાગ્યાના સમયે કામગીરી દરમિયાન અચાનક ક્રેઇનનો ઉપરનો લોખંડનો ગડર તૂટી પડ્યો હતો. ગડર સીધો મોહિતભાઈના માથા પર પડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે તબીબોની સારવાર દરમિયાન તેમની સ્થિતિ ગંભીર બનતાં અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ઘટનાની જાણ થતાં કોટડા સાંગાણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક મોહિત સોલંકી ત્રણ ભાઈઓમાં વચેટ હતા અને હજુ અવિવાહિત હતા. રોજગારી માટે શાપર ખાતે રહેીને કંપનીમાં નોકરી કરતા હતા. યુવાન વયે થયેલા આ કરૂણ અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને વતન ઢુંઢીયા ગામમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.


