અષાઢી બીજે SGVP વાવડી ગુરુકુળથી મવડી સુધી નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે યોજાશે દિવ્ય શોભાયાત્રા; ચોકલેટનો અન્નકૂટ, આકર્ષક ફ્લોટ્સ અને ડીજેના તાલે હરિભક્તો રાસની રમઝટ બોલાવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભક્તિ, સંસ્કાર અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા દ્વારા અષાઢી બીજના પરમ પવિત્ર અવસરે નગરચર્યાએ નીકળતા ભગવાન જગન્નાથજીની એક અતિ ભવ્ય અને લોકઆકર્ષક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો ઉત્સવ રજત કણ સમાન સવિશેષ છે, કારણ કે ગુરુકુલના આદ્ય સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પરમ પૂજ્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૫ માં જન્મદિન મહોત્સવ નિમિત્તે રથયાત્રાની સાથે એક અતિ દિવ્ય અને નયનરમ્ય શોભાયાત્રા પણ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેમનગર ગુરુકુલ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પૂજ્ય માતૃવાત્સલ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્યમાં સંતો અને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જે પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે રાજકોટના રાજમાર્ગો પર પણ આ મહોત્સવ ભારે ધામધૂમ અને દબદબાભેર ઉજવાશે.
સમગ્ર મહોત્સવનું ભગીરથ આયોજન SGVP ગુરુકુળ વાવડી તેમજ રાષ્ટ્ર અને સમાજ હિત માટે સદાય અગ્રેસર રહેતી અનેરી સહયોગી સંસ્થાઓ જેવી કે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મજાગરણ સમન્વય, સનાતન ધર્મ સંકલન સમિતિ, હિન્દુ જાગરણ મંચ, શ્રી સ્વામિનારાયણ મંદિર – SGVP મવડી, શ્રી મુખ્ય મંદિર – રાજકોટ, ખોડલધામ શિક્ષણ પાંખ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા ભારત વિકાસ પરિષદ જેવી પ્રતિષ્ઠિત સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પરસ્પર અપ્રતિમ અને સરાહનીય સહયોગથી કરવામાં આવ્યું છે. રથયાત્રા સુપેરે અને અતિ સુંદર રીતે ઉજવાય તે માટે એક સક્ષમ મુખ્ય આયોજક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ સ્થાને પૂજ્ય શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી (સંચાલક, SGVP ગુરુકુળ રીબડા) અને કન્વીનર તરીકે રાજદીપસિહ જાડેજા (રાજાભાઈ વાવડી) તથા સહ કન્વીનર તરીકે કમલેશભાઈ દવે સેવા આપી રહ્યા છે. આ મુખ્ય આયોજક કમિટીમાં અગ્રણીઓ પરષોત્તમભાઇ બોડા, દશરથસિંહ જાડેજા, યોગેશભાઇ વઘાસીયા, નરેશભાઇ પટેલ, જીગ્નેશભાઇ ઠક્કર, વિનુભાઇ કોરાટ, આશિષભાઇ વેકરીયા, પ્રકાશભઇ ભાલાળા, દિલીપભાઈ મુગળા છે તથા મુખ્યરથ તથા શોભાયાત્રાની પૂર્વ તૈયારીમાં યુવા ટીમમાં પાર્થભાઇ દોમડિયા, મિલનભાઇ ગધેથરીયા, તથા કેવલભાઇ લાખાણી, કેવીનભાઇ ના વગેરે ભારે ઉત્સાહભેર જહેમત ઉઠાવી રહ્યા છે. મુખ્ય સમિતિના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના સુચારુ સંચાલન માટે અન્ય ૨૦ જેટલી પેટા કમિટીઓ અને SGVP ગુરુકુલના હાથ-પગ સમાન એવા નિષ્ઠાવાન સ્વયંસેવક ભાઈઓ-બહેનો તથા કાનાભાઈ કોરાટ અને અજયસિંહ જાડેજાની આગેવાનીમાં વાવડી ગામની યુવા ટીમ ખડેપગે રહીને તનતોડ મહેનત અને અપ્રતિમ સેવા આપી રહ્યા છે.
આ અલૌકિક રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે બપોરે ૩:૩૦ વાગ્યે SGVP વાવડી ગુરુકુલ ખાતેથી પ્રચંડ જયઘોષ, શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરશે. એની પહેલા ૨.૪૫ થી ૩.૩૦ સુધી મામેરા વિધિ સાથે ભગવાન શ્રી જગન્નાથજી ને ચોકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવશે અને એ પ્રસાદરૂપે બધાને આપવામાં આવશે. પહિંદી વિધિ અને રથયાત્રાની ભવ્ય શરૂઆત કરવા માટે પૂજય સંતોની સાથે આમંત્રિત મહેમાનો પધારશે.
રથયાત્રાના નિર્ધારિત રૂટમાં વાવડી ગુરુકુલથી નીકળી વાવડી ગેઇટ, જય ભારત પ્રાથમિક સ્કૂલ વાવડી (સામેનો રોડ), આસોપાલવ ટ્રાય એંગલ, ખોડલ ચોક (મટુકી રેસ્ટોરન્ટ), રાણી ચોક, જય સરદાર ચોક, શિલ્પન એરિસ્ટા ફ્લેટ, સંસ્કાર સીટી, બાપા સીતારામ ચોક અને મવડી ચોકડી થઈને અંતે સ્વામિનારાયણ મંદિર, SGVP મવડી ખાતે પહોંચીને મહાઆરતી સાથે સંપન્ન થશે. આ દિવ્ય મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો-મહંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી ભગવાનના રથની પ્રારંભિક આરતી ઉતારશે. રથયાત્રાના રૂટ પર આવતી વિવિધ સોસાયટીના અબાલ-વૃદ્ધ રહેવાસીઓ દ્વારા ભગવાનના રથોનું ભક્તિભાવપૂર્વક ભવ્ય સ્વાગત કરી ઠેર-ઠેર ગગનભેદી નારાઓ સાથે દિવ્ય આરતી ઉતારવામાં આવશે. સોસાયટીઓના ભક્તો દ્વારા રથયાત્રામાં જોડાનાર હરિભક્તો માટે પીવાના ઠંડા પાણી, શરબત, જ્યુસ તેમજ ભગવાન જગન્નાથજીનો પ્રિય એવો પવિત્ર મગ, કાકડી અને ખારેકના મહાપ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શોભાયાત્રામાં હાઈ-વોલ્ટેજ ડીજે (DJ) ના ધબકારે અને પરંપરાગત ઢોલ-નગારાના તાલે ભક્તો રાસની રમઝટ બોલાવશે, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને જોડાશે. આકર્ષક રથો, સંતોનું સાનિધ્ય, સ્વયંસેવકોની અભેદ્ય વ્યવસ્થા અને ભક્તોની મેદનીથી આખોય રૂટ જાણે મિની જગન્નાથપુરીમાં પરિવર્તિત થઈ જશે. SGVP ગુરુકુલ પરિવાર તથા વાવડી-મવડી વિસ્તારની સમસ્ત સોસાયટીઓ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


