પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર
૨૬૭૧ લોકોનું ડોર ટુ ડોર સર્વે છ સેમ્પલ લેવાયા : ગામની ખાણીપીણીની દુકાનો બંધ રખાઇ : સ્થાનિકોમાં ફફડાટ : તંત્ર એલર્ટ મોડમાં
અગ્ર ગુજરાત, ભૂજ
ભૂજના લોડાઇ ગામમાં બીજા દિવસે પણ ફૂડ પોઇઝનીંગની અસર દેખાઇ હતી. આ ઘટનાથી ગામની ખાણીપીણીની દુકાનો બંધ રહી હતી અને તંત્ર દ્વારા પાણીપુરીના વેંચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર બીજા દિવસે પણ જોવા મળી હતી. શંકાસ્પદ પાણીપુરી ખાવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં કુલ 70 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, પરંતુ સ્થાનિક સ્તરે આ આંકડો હજુ પણ વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની વિગતો મુજબ, પ્રથમ દિવસે અનેક લોકોને ઉલટી-ઉબકા અને ઝાડાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં વધુ 34 ફૂડ પોઈઝનિંગના કેસો પ્રકાશમાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તત્કાલ સારવાર શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા બીજા દિવસે ગામના કુલ 2671 લોકોનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન જે વ્યક્તિઓમાં ફૂડ પોઈઝનિંગના સામાન્ય લક્ષણો જણાયા તેમને ઘરે જ દવાઓ આપવામાં આવી છે, જ્યારે ગંભીર જણાતા દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના કુલ 6 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ઝેર કયા પદાર્થને કારણે ફેલાયું તે સ્પષ્ટ થશે.
ગામમાં ફેલાયેલા આ ચેપને રોકવા માટે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સતત બીજા દિવસે પણ ગામમાં તમામ ખાણીપીણીની લારીઓ અને દુકાનો બંધ રહી હતી. તંત્રએ ગ્રામજનોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા તાકીદ કરી છે. હાલમાં આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


