ભરૂડી ટોલનાકા પાસે રૂ.1.51 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતું SMC
41,580 બોટલ ભરેલો ટ્રક કબજે, યુકેના વર્ચ્યુઅલ નંબરથી ઓર્ડર થયાની શંકા; તપાસ SMCએ પોતાના હાથમાં રાખતાં સ્થાનિક પોલીસમાં ખળભળાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં આજીડેમ પોલીસ મથક વિસ્તારના હલેન્ડા ગામ નજીકથી મોટો જથ્થો ઝડપાયા બાદ હવે ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસે વધુ એક મેગા ઓપરેશનમાં રૂ.1.51 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. ટ્રક સહિત કુલ રૂ.1.81 કરોડનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
SMCને મળેલી બાતમીના આધારે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ભરૂડી ટોલ પ્લાઝા નજીક એક ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકની તલાશી દરમિયાન અંદરથી અંગ્રેજી દારૂની 1,154 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 41,580 બોટલો હતી. દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂના જથ્થાને છુપાવવા માટે ટ્રેલરમાં પ્લાસ્ટિકના બેગ ભરેલા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ટ્રક ડ્રાઇવર પાસેથી મળેલી બિલ્ટી અને દસ્તાવેજોની ચકાસણી કરતા તે બનાવટી હોવાનું પણ બહાર આવ્યું છે. ખોટી બિલ્ટીનો સહારો લઈ હરિયાણાથી ગુજરાત સુધી દારૂની હેરફેર થતી હોવાનું SMCને જાણવા મળ્યું છે.
પકડાયેલા ટ્રક ચાલક ભુરારામ કાલુરામ સારણે પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં રાજસ્થાનના ખેમારામ બેનીવાલ, ટ્રક માલિક રામનિવાસ ઉર્ફે રામલાલ અને તેનો ભાઈ સુનિલ સહિત ચાર શખ્સોના નામ સામે આવ્યા છે. ઉપરાંત યુકેના કોડ ધરાવતા ‘+44’ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરનાર અજાણ્યા વ્યક્તિને પણ આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીના સૂત્રો મુજબ દારૂનો જથ્થો અમદાવાદ સ્થિત સપ્લાયર મારફતે મંગાવવામાં આવ્યો હોવાની શક્યતા છે. જોકે અંતિમ લાભાર્થી કોણ છે અને દારૂનો જથ્થો કોના માટે મંગાવવામાં આવ્યો હતો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
આ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે SMCએ તપાસ સ્થાનિક પોલીસને સોંપવાના બદલે પોતાના હાથમાં જ રાખી છે. સામાન્ય રીતે આવા કેસોની આગળની તપાસ સંબંધિત જિલ્લા પોલીસને આપવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં SMC દ્વારા સીધી તપાસ ચાલુ રાખવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારી હકીકત સામે આવી છે. ટ્રક ચાલકે કબૂલ્યું છે કે તે અગાઉ પણ દારૂ ભરેલો ટ્રક લઈને ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા સુધી આવ્યો હતો. ત્યાં બે અજાણ્યા શખ્સોએ ટ્રક કબજે કરી દારૂ ઉતાર્યા બાદ ખાલી ટ્રક પરત આપ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત દારૂ ભરેલો ટ્રક લઈને પહોંચતા આ વખતે SMCના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટનાએ રાજ્યની દારૂબંધી વ્યવસ્થાની અસરકારકતા અંગે પણ સવાલો ઊભા કર્યા છે. હરિયાણાથી નીકળેલો ટ્રક ગુજરાતમાં પ્રવેશ્યા બાદ ડીસા, વિરમગામ, માલવણ, મોરબી, વાંકાનેર અને રાજકોટ શહેર જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ભરૂડી ટોલનાકા સુધી પહોંચી ગયો હોવા છતાં ક્યાંય રોકાયો નહીં. આથી માર્ગમાં આવતી વિવિધ પોલીસ એજન્સીઓની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. SMC હાલ સમગ્ર નેટવર્ક, સપ્લાય ચેઇન અને દારૂના વાસ્તવિક ખરીદદારો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


