છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત અપાતો મોંઘવારીનો ડોઝ
ઇંધણના ભાવમાં બ્લાસ્ટ : પેટ્રોલમાં ૮૭, ડિઝલમાં ૯૧ પૈસા અને CNGમાં એક રૂપિયાનો વધારો
પેટ્રોલ-ડિઝલ રૂ.૧૦૦ને આંબ્યુ : સપ્તાહમાં ઇંધણ પાંચ રૂપિયા મોંઘુ થયું : મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ એક ફટકો પડતા ભારે આક્રોશ
પેટ્રોલપંપ પર અછતની વચ્ચે લાઇનમાં ઉભા રહેતા વાહન ચાલકોના ખિસ્સાને વધુ હળવા કરવાનો ડોઝ : ૨૦૨૪ પહેલા બે રૂપિયાના ઘટાડાની રાહત આપ્યા બાદ સતત અપાતો ડામ
ઇંધણના વધેલા ભાવથી લઘુ ઉદ્યોગમાં લોકડાઉન જેવી સ્થિતિ, ટ્રાન્સપોર્ટ વેપારને બ્રેક, ઘરવખરી અને જીવન જરૂરીયાત ચીજવસ્તુ પણ મોંઘવારીના ભરડામાં
અગ્ર ગુજરાત, રાજકોટ
મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની અસર ઇંધણ પર પડી રહી છે. ક્રૂડ ઓઇલના જહાજો દરિયામાં ફસાતા ભારત સહિતના દેશો ઇંધણની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતમાં છેલ્લા ૧૦ દિવસમાં ઇંધણના ભાવમાં ત્રીજી વખત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આજે ફરી પેટ્રોલમાં ૮૭ અને ડિઝલમાં ૯૧ પૈસાનો વધારો કરવામાં આવતા ૧૦૦ રૂપિયાને આંબી ગયું છે. સીએનજીમાં પણ એક રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈને ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ ₹92.49 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું.
આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં CNG હવે 81.09 રૂપિયા પ્રતિ કિલો મળશે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો વધારો છે. આ પહેલા સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયા અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો હતો.
ઈંધણની કિંમતોમાં 9 દિવસમાં આ ત્રીજો વધારો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે દેશમાં ઇંધણના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ ‘ડેઇલી પ્રાઇસ રિવિઝન’ એટલે કે ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો અપડેટ કરે છે. ગ્રાહક સુધી પહોંચતા પહેલા તેલની કિંમતોમાં અનેક પ્રકારના ટેક્સ અને ખર્ચ ઉમેરાય છે, જેને આપણે સરળ ભાષામાં સમજી શકીએ છીએ.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો માર્ચ 2024થી સ્થિર રહી હતી. લોકસભા ચૂંટણી 2024 પહેલાં સરકારે કિંમતોમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. જોકે, તકનીકી રીતે ભારતમાં ઇંધણની કિંમતો નિયંત્રિત છે અને કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજકીય સંવેદનશીલતાને કારણે તેમને લાંબા સમય સુધી બદલવામાં આવ્યા ન હતા.
બોકસ…
ભાવ વધારાની શું અસર થશે?
માલભાડું વધશે: ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળ અને રાશન મોંઘા થઈ જશે.
ખેતીનો ખર્ચ: ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે.
બસ-ઓટોનું ભાડું: જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.
મુખ્ય કિંમત કરતા ચાર ગણા વધતા ભાવ
- ક્રૂડ ઓઇલની કિંમત (બેઝ પ્રાઇસ): ભારત તેની જરૂરિયાતનો લગભગ 90% ક્રૂડ વિદેશથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલા બેરલના હિસાબે પ્રતિ લિટર તેલની કિંમત નક્કી થાય છે.
- રિફાઇનિંગ અને કંપનીઓનો ચાર્જ: ક્રૂડ ઓઇલને દેશની રિફાઇનરીઓમાં શુદ્ધ કરીને પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવે છે. આમાં રિફાઇનિંગ ખર્ચ અને કંપનીઓનો માર્જિન શામેલ હોય છે.
- કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી: રિફાઇનરીમાંથી બહાર નીકળ્યા પછી કેન્દ્ર સરકાર તેના પર એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદન શુલ્ક) અને રોડ સેસ લગાવે છે. આ દેશભરમાં તમામ રાજ્યો માટે સમાન હોય છે.
- ડીલર કમિશન: તેલ કંપનીઓ જે ભાવે પેટ્રોલ પંપ માલિકો (ડીલર્સ) ને ઇંધણ વેચે છે, તેમાં ડીલર્સનું પોતાનું નિશ્ચિત કમિશન ઉમેરવામાં આવે છે, જે પેટ્રોલ અને ડીઝલ માટે અલગ-અલગ હોય છે.
- રાજ્ય સરકારનો વેટ (VAT): સૌથી છેલ્લે રાજ્ય સરકારો પોતાના હિસાબે વેટ અથવા લોકલ સેલ્સ ટેક્સ લગાવે છે. કારણ કે દરેક રાજ્યના વેટ દરો અલગ-અલગ હોય છે, તેથી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા અલગ-અલગ શહેરોમાં ઇંધણની કિંમતો પણ અલગ-અલગ હોય છે.
કંપનીઓને દર મહિને 30 હજાર કરોડનું નુકસાન
સરકારના મતે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે ખોટમાં ચાલી રહી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્મા અનુસાર, કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને આશરે ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો
આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 રૂપિયા, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક લિટર પેટ્રોલ પર કુલ 21.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી તે 11.90 રૂપિયા રહી ગઈ હતી. આ જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 17.8 રૂપિયાથી ઘટીને 7.8 રૂપિયા પર આવી ગઈ હતી. સરકારનો આ નિર્ણય પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર રાખવા માટે હતો. આ નિર્ણયને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા.
પેટ્રોકેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન વધારવા પર ભાર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર પેટ્રોકેમિકલ સેક્ટરમાં તે વસ્તુઓનું ઉત્પાદન વધારવા માંગે છે, જેના માટે હાલમાં વિદેશો પર વધુ નિર્ભરતા છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) એ પેટ્રોકેમિકલ ઉદ્યોગને ભારતમાં આવા 200 થી વધુ પેટ્રોકેમિકલ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવાની અપીલ કરી છે, જેની હાલ વિદેશ માંથી આયાત કરવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે આ પેદાશો પાછળ ભારતનું આયાત બિલ 50 અબજ ડોલરની નજીક છે. એટલે કે સરકારે 4 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. લાંબા સમયથી ભારત સરકાર આ મુદ્દે વિચાર કરી રહી છે, પરંતુ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભારત ક્રૂડ ઓઇલ અને અન્ય કેમિકલ માટે ખાડી દેશો પર નિર્ભર છે. ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અથવા હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેવાથી પૂરવઠામાં વિક્ષેપ પડી શકે છે.
ભારતના પ્રભાવિત થયેલા વિવિધ ક્ષેત્રો
હાલમાં ભારતમાં પીવીસી, પોલિથીન, એબીએસ પ્લાસ્ટિક, એમોનિયા, એસિટિક એસિડ, ટોલ્યુઇન, ઇપોક્સી રેઝિન જેવી વસ્તુઓની ઘણી આયાત થાય છે. આ બધી પ્રોડક્ટનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે. ઉપરોક્ત યાદીમાં પીવીસી, પોલિપ્રોપિલિન અને પોલિઇથિલિન જેવા કેમિકલનો ઉપયોગ પેકેજિંગ, પ્લાસ્ટિક કન્ટેનર અને પાઇપોમાં થાય છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે FMCG કંપનીઓનો પેકેજિંગ ખર્ચ વધી શકે છે. જેના કારણે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ શકે છે અને ઇ કોમર્સ પેકેજિંગને પણ અસર થઈ શકે છે. એ જ રીતે બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પણ તેનાથી ફટકો પડી શકે છે. પીવીસી પાઇપ, રૂફ શીટ્સ, ઇન્ડસ્ટ્રીયલ કોટિંગને લગતી ઘણી વસ્તુઓ વિદેશથી આવે છે. તેની સપ્લાય અટકવાથી બાંધકામ ક્ષેત્રની કામગીરીને અસર થઈ શકે છે.
નિષ્ણાતોએ શેની ચેતવણી આપી છે?
ભૂતપૂર્વ ટ્રેડ ઓફિસર અને ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના સ્થાપક અજય શ્રીવાસ્તવે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે, ભારતની પેટ્રોકેમિકલ આયાત લગભગ 56 અબજ ડોલર છે. એવી ઘણી પ્રોડક્ટ્સ છે જ્યાં ભારતની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા ખૂબ ઓછી છે. તેમણે આ ક્ષેત્રમાં મોટા પાયે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અજય શ્રીવાસ્તવે પીવીસી રેઝિન અને પોલિકાર્બોનેટ જેવા ઉત્પાદનોને ભારત માટે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ શ્રેણી તરીકે વર્ણવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ ઉત્પાદનોમાં વધુ પડતી વિદેશી નિર્ભરતા ભારત માટે જોખમ ઉભું કરી શકે છે.


