બૂલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જામનગર વડોદરાના ઇન્ટરસિટી ટ્રેન બે દિવસ રદ
ઓખા-ગુવાહાટીના રૂટમાં આર્થિક ફેરફાર કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર (1) ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી આજે અને (2) ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી આવતીકાલે રદ રહેશે.
ઉપરાંત પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરા–જટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15635 ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તેના આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા–જહાનાબાદ–પટના થઈને દોડશે. આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં.


