ભારત પર આર્થિક સંકટના બે વાદળ
તેલમાં ઠંડક, ચોમાસામાં ગરમી: અર્થતંત્ર માટે નવી કસોટી
જૂનમાં વરસાદી ખાધ 40% સુધી પહોંચવાની આશંકા, અલ નીનોની અસરથી ખેતી-અર્થતંત્ર પર સંકટ; મોંઘવારી અને ગ્રામીણ આવક પર ડબલ મારની ચેતવણી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ઈરાન-અમેરિકા વચ્ચે વધતી સમજૂતીના સંકેતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં આવેલી નરમાઈએ ભારતને તાત્કાલિક રાહત તો આપી છે, પરંતુ હવે દેશ સામે એક નવો અને વધુ ગંભીર પડકાર ઊભો થયો છે. નબળા ચોમાસા, અલ નીનોની અસર અને ઘટતી કૃષિ આવકને કારણે દેશના અર્થતંત્ર પર ડબલ માર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
દેશમાં જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં જ વરસાદની ખાધ નોંધપાત્ર રીતે વધી છે. હવામાન વિભાગના પ્રાથમિક આંકડા મુજબ 1 જૂનથી 24 જૂન દરમિયાન સરેરાશ 56.1 મીમી વરસાદ થવો જોઈએ હતો, પરંતુ માત્ર 40.2 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે વરસાદી ખાધ લગભગ 28 ટકા સુધી પહોંચી ગઈ છે અને હાલની સ્થિતિ યથાવત્ રહે તો જૂનના અંત સુધીમાં આ ખાધ 40 ટકા સુધી પહોંચી શકે છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ક્રુડ ઓઈલના ભાવ ઘટવાથી આયાત બિલમાં રાહત મળશે અને રૂપિયા પરનું દબાણ પણ થોડું ઓછું થશે, પરંતુ ચોમાસું નબળું રહે તો કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડશે. દેશના લગભગ 43 ટકા લોકો આજે પણ ખેતી અને ખેતી આધારિત આવક પર નિર્ભર છે. વરસાદમાં ઘટાડો થતાં ખરીફ પાકના વાવેતર, ઉત્પાદન અને ખેડૂતોની આવક પર સીધી અસર પડશે. અલ નીનોની સ્થિતિ ચિંતા વધારનારી છે. છેલ્લા 16 અલ નીનો વર્ષોમાંથી 12 વખત ભારતમાં અર્ધ-દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું નોંધાયું છે. તેથી આ વર્ષે પણ વરસાદની અનિશ્ચિતતા ખેતી ઉપરાંત સમગ્ર અર્થતંત્ર માટે જોખમ બની શકે છે.
ભારત પોતાની કુલ જરૂરિયાતના લગભગ 88 ટકા ક્રુડ ઓઈલની આયાત કરે છે. તેમાં પણ ગલ્ફ દેશોનો મોટો હિસ્સો છે. ક્રુડના ભાવ હાલ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ ગલ્ફ ક્ષેત્રમાં પુરવઠાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બનવામાં હજુ સમય લાગી શકે છે. ઓઈલ ટેન્કરોનું પુનઃવ્યવસ્થાપન, નવા કરારો અને ઉત્પાદન ક્ષમતા પુનઃસ્થાપિત થવા સુધી બજારમાં અનિશ્ચિતતા યથાવત્ રહેશે. એલએનજી અને એલપીજી ક્ષેત્રે પણ ભારત માટે પડકારો ઓછા નથી. દેશની 90 ટકા એલએનજી અને 70 ટકા એલપીજી આયાત ગલ્ફ દેશો પરથી આધારિત છે. પુરવઠામાં અવરોધ કે પરિવહન ખર્ચમાં વધારો થવાથી ઊર્જા ખર્ચ વધુ વધી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાંથી વધારાની ગેસ આયાત કરવી પડી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ અને વીમા ખર્ચ પણ વધી રહ્યા છે.
બીજી તરફ ગલ્ફ દેશોમાં ભારતની નિકાસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એન્જિનિયરિંગ માલ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, કેમિકલ્સ અને ખાદ્ય ઉત્પાદનો જેવી અનેક મુખ્ય શ્રેણીઓમાં માંગ ઘટી છે. જેના કારણે નિકાસ આધારિત ઉદ્યોગો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.
નબળા ચોમાસાની સીધી અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડશે. ખેડૂતોની આવકમાં ઘટાડો થતા ટુ-વ્હીલર, ટ્રેક્ટર, એફએમસીજી અને ગ્રાહક ચીજવસ્તુઓની માંગમાં ઘટાડો થઈ શકે છે. જે દેશના કુલ વપરાશ અને આર્થિક વૃદ્ધિ દરને અસર કરશે. સામાન્ય નાગરિક માટે પણ મુશ્કેલીઓ વધી શકે છે. કૃષિ ઉત્પાદન ઘટશે તો અનાજ, શાકભાજી, તેલીબિયાં અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ મોંઘી બનશે. જો મોંઘવારી ફરી વધશે તો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કરવાની દિશામાં પગલાં લઈ શકે છે, જેના કારણે ઘર, વાહન અને અન્ય લોનના હપ્તા મોંઘા બનવાની શક્યતા રહેશે. આમ, ક્રુડ ઓઈલ મોરચે મળેલી રાહત વચ્ચે હવે ચોમાસું અને કૃષિ ક્ષેત્ર ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટો પડકાર બની રહ્યા છે. આગામી એક મહિનો દેશની અર્થવ્યવસ્થા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આમ ક્રુડ ઓઈલમાં મળેલી રાહત ભારત માટે સારા સમાચાર છે, પરંતુ નબળું ચોમાસું અને અલ નીનોની અસર આગામી મહિનાઓમાં અર્થતંત્ર અને સામાન્ય નાગરિક બંને માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
જૂનમાં વરસાદી ખાધ કેટલી?
* સરેરાશ વરસાદ જોઈએ: 56.1 મીમી
* નોંધાયેલ વરસાદ: 40.2 મીમી
* હાલની ખાધ: 28%
* મહિનાના અંતે ખાધ 40% સુધી પહોંચવાની આશંકા
અલ નીનો કેમ ચિંતા વધારી રહ્યો છે?
* છેલ્લા 16 અલ નીનો વર્ષોમાંથી
* 12 વખત અર્ધ-દુષ્કાળ જેવી સ્થિતિ
* ખરીફ પાકને સૌથી વધુ જોખમ
* વરસાદની અનિશ્ચિતતા વધે
ભારતની ક્રુડ પર કેટલી નિર્ભરતા?
* 88% ક્રુડ ઓઈલ આયાત આધારિત
* 50%થી વધુ પુરવઠો ગલ્ફ દેશોમાંથી
* પુરવઠો સામાન્ય બનવામાં હજુ સમય લાગશે
ગેસ ક્ષેત્રે શું સ્થિતિ છે?
* 90% એલએનજી આયાત ગલ્ફ પરથી
* 70% એલપીજી આયાત ગલ્ફ પરથી
* અમેરિકાથી આયાત વધી
* ટ્રાન્સપોર્ટ અને વીમા ખર્ચ વધ્યો
ગ્રામીણ અર્થતંત્ર પર અસર
* 43% લોકો કૃષિ આવક પર આધારિત
* વરસાદ ઓછો તો ખેડૂતોની આવક ઘટશે
* ગ્રામ્ય બજારમાં માંગ ઘટશે
* રોજગારી પર પણ અસર
કયા ઉદ્યોગોને ફટકો પડી શકે?
* FMCG કંપનીઓ
* ટુ-વ્હીલર ઉત્પાદકો
* ટ્રેક્ટર ઉદ્યોગ
* કૃષિ ઇનપુટ કંપનીઓ
* ગ્રાહક ચીજવસ્તુઓનો વેપાર
સામાન્ય માણસ માટે શું મોંઘું થઈ શકે?
* અનાજ
* શાકભાજી
* ખાદ્ય તેલ
* દૂધ અને કૃષિ પેદાશો
* ટ્રાન્સપોર્ટ ખર્ચ
આગામી દિવસોમાં શું જોવું જરૂરી?
* ચોમાસાની ગતિ
* ખરીફ વાવેતરની સ્થિતિ
* ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ
* ગલ્ફમાં પુરવઠાની સ્થિતિ
* રિઝર્વ બેન્કની વ્યાજદર નીતિ


