ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા: ઘરફોડ ચોરીના 5 ગુના ડિટેક્ટ, બે રીઢા તસ્કરો ઝડપાયા
ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર વિસ્તારમાં રહેણાંક મકાનોને બનાવતા હતા નિશાન : રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રહેણાંક મકાનોમાં ચોરીની પ્રવૃત્તિ આચરતા બે રીઢા તસ્કરોને પોલીસે ઝડપી પાડી ઘરફોડ ચોરીના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ.20.04 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં મિલ્કત સંબંધી અને ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા સઘન પેટ્રોલીંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર ભુતનાથ મહાદેવ મંદિર સામેથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં 22 વર્ષીય સુનીલ ઉર્ફે આર્યન શિયાળ અને 30 વર્ષીય કિરણ એંદરીયાનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ છેલ્લા દોઢ મહિનામાં ગાંધીગ્રામ તથા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ પાંચ રહેણાંક મકાનોમાં ચોરી આચર્યાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 101.4 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ.13,88,850, 1087 ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ.1,44,700, રોકડા રૂ.4,11,000, એક મોટર સાઈકલ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.20,04,650નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તપાસમાં વધુમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી સુનીલ ઉર્ફે આર્યન શિયાળ અગાઉ લૂંટ, ચોરી, મારામારી અને પ્રોહિબિશન સહિતના 9 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. બંને આરોપીઓ પાસેથી અન્ય ગુનાઓ અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.


