પાકમાં યોગ્ય ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા કિશાન સંઘની સરકારમાં રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અને સરકારી ખરીદી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવતાં ભારતીય કિસાન સંઘે રાજ્યના પુરવઠા મંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે.
કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે ખેડૂતોના હિત સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને સરકારનું ધ્યાન દોર્યું હતું. આર. કે. પટેલે જણાવ્યું હતું કે હાલમાં મકાઈ, જુવાર અને બાજરી જેવા મુખ્ય પાકોના બજાર ભાવ લઘુત્તમ ટેકાના ભાવ કરતાં નીચે ચાલી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય વળતરથી વંચિત રહેવું પડી રહ્યું છે અને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પાકના ભાવમાં ઘટાડાના કારણે સરકારી ખરીદી માટે ખેડૂતોમાં રસ ઘટ્યો છે, જેના પરિણામે રજિસ્ટ્રેશનની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોને પૂરતો લાભ ન મળતા સરકારી ખરીદી વ્યવસ્થા અંગે અસંતોષ વધી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
કિસાન સંઘે આક્ષેપ કર્યો કે કેટલીક જગ્યાએ જ્યાં એક ખેડૂત પાસેથી 6 હજાર કિલોગ્રામ સુધી ખરીદી થવી જોઈએ ત્યાં માત્ર 2 હજાર કિલોગ્રામ જ ખરીદી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહી હોવાનું સંઘનું માનવું છે. સંઘે ઓછી ખરીદી કરનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. સાથે જ ખેડૂતોને વધુ લાભ મળી રહે તે માટે ખરીદીના જથ્થાનું પ્રમાણ વધારવા અને પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
કિસાન સંઘે સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે જેથી MSP હેઠળ વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકે અને તેમની ઉપજને યોગ્ય બજાર મૂલ્ય પ્રાપ્ત થાય.


