ચોમાસામાં જીવલેણ ચાંદીપુરા વાયરસનો ઘાતક પ્રહાર
ગુજરાતમાં 12 બાળકોના મોતથી હાહાકાર
ત્રણ બાળકોમાં ચાંદીપુરા વાયરસની લેબોરેટરીથી પુષ્ટિ, અનેક બાળકો સારવાર હેઠળ
આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં, ચોમાસામાં સેન્ડ ફ્લાયથી ફેલાતા વાયરસ સામે સાવચેતી જ સૌથી મોટું શસ્ત્ર
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ચાંદીપુરા વાયરસ ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં બાળકોમાં તીવ્ર તાવ, આંચકી અને ઊલટી જેવા ગંભીર લક્ષણો સાથે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ અને તેના જેવા જ શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 12 બાળકોના મોતના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે માતા-પિતામાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ત્રણ બાળકોમાં ચાંદીપુરા વાયરસની લેબોરેટરીથી પુષ્ટિ થઈ છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં બે બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના એક બાળકનું પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેનું મોત થયું હતું. બીજી તરફ, અનેક બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં ચાંદીપુરા જેવા જ ગંભીર લક્ષણો સાથે મૃત્યુ થતાં આરોગ્ય વિભાગ તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહ્યો છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા છ બાળકોના મોત નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ બાળકોના મૃત્યુના બનાવોએ ચિંતા વધારી છે. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે પોઝિટિવ બાળકોની સારવાર ચાલી રહી છે, જ્યારે અરવલ્લી, પંચમહાલ અને અન્ય જિલ્લાઓના પાંચ જેટલા શંકાસ્પદ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખી દ્વારા ફેલાતો વાયરસ માનવામાં આવે છે. આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઝડપથી અસર કરે છે. તેમાં તીવ્ર તાવ, વારંવાર ઊલટી, શરીરમાં આંચકી આવવી, બેભાન થઈ જવું અને મગજ પર ગંભીર અસર થવાની શક્યતા રહે છે. કેટલાક કેસોમાં દર્દીની સ્થિતિ કલાકોમાં ગંભીર બની જતી હોવાથી સમયસર સારવાર અત્યંત જરૂરી બની જાય છે.
નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસા દરમિયાન ભેજવાળું વાતાવરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકી, કાચા મકાનો તથા જંતુઓની વધતી સંખ્યા સેન્ડ ફ્લાયના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરે છે. તેથી માત્ર સરકાર નહીં, પરંતુ સામાન્ય નાગરિકોની સાવચેતી પણ એટલી જ મહત્વની છે. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારનો તીવ્ર તાવ કે આંચકી દેખાય તો તરત હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેલન્સ, જંતુનાશક દવાનો છંટકાવ અને જનજાગૃતિ અભિયાન તેજ બનાવ્યું છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત રહેવું અત્યંત જરૂરી છે. કારણ કે ચાંદીપુરા વાયરસમાં સમયસર સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પરંતુ અત્યંત ગંભીર વાયરસજન્ય ચેપ છે, જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાય છે. આ વાયરસ મગજ પર ઝડપથી અસર કરી એન્સેફેલાઇટિસ જેવી ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. ખાસ કરીને નાના બાળકો માટે તે વધુ જોખમી માનવામાં આવે છે.
આ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ પહોંચો
અચાનક તીવ્ર તાવ આવવો
સતત ઊલટી અથવા ઝાડા થવા
શરીરમાં આંચકી (ખેંચ) આવવી
બાળક બેભાન થઈ જવું
અતિશય નબળાઈ અથવા સતત ચિડચિડાપણું
બાળકોને બચાવવા આ સાવચેતી રાખો
ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો.
કાચા મકાનોની તિરાડો પૂરવી.
જંતુનાશક દવાનો નિયમિત છંટકાવ કરાવો.
બાળકોને આખી બાયના કપડાં પહેરાવો.
રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
કયા જિલ્લાઓમાં વધ્યું આરોગ્ય વિભાગનું ધ્યાન?
ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગે વિશેષ સર્વેલન્સ શરૂ કર્યું છે. હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે અને શંકાસ્પદ કેસોના સેમ્પલની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે.
સમયસર સારવાર જ સૌથી મોટું રક્ષણ
ચાંદીપુરા વાયરસની હાલ કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી. તેથી લક્ષણો દેખાતાં જ બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવું, સમયસર સારવાર શરૂ કરવી અને ડોક્ટરની સલાહનું પાલન કરવું જ જીવ બચાવવાનો સૌથી અસરકારક માર્ગ માનવામાં આવે છે.


