ટીસીએસ કેમ્પસ ભરતીમાં મારવાડી યુનિવર્સિટીના 23 વિદ્યાર્થીઓની પસંદગી
છાત્રોને મળ્યું સરેરાશ વાર્ષિક વેતન રૂ.૫.૨૮ લાખ
અગ્ર ગુજરાત, રાજકોટ
મારવાડી યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને એમસીએના 23 વિદ્યાર્થીઓની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) દ્વારા યોજાયેલી કેમ્પસ ભરતી પ્રક્રિયામાં પસંદગી થઈ છે. પ્લેસમેન્ટ સીઝનમાં યુનિવર્સિટીએ વધુ એક ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે ડૉ. સંજીત સિંહ, પ્રો વાઇસ ચાન્સેલર, મારવાડી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, “આ પ્લેસમેન્ટ પરિણામો વિદ્યાર્થીઓને અગ્રણી વૈશ્વિક સંસ્થાઓની અપેક્ષાઓ મુજબ ટેક્નિકલ કુશળતા, સમસ્યાના નિરાકરણની ક્ષમતા અને વ્યાવસાયિક કુશળતાથી સજ્જ બનાવવા માટેના પ્રયાસોનું પ્રતિબિંબ છે. કેમ્પસ પ્લેસમેન્ટ માત્ર શૈક્ષણિક અભ્યાસનું પરિણામ નથી, પરંતુ ઉદ્યોગ સાથેના સતત જોડાણ, સુવ્યવસ્થિત તાલીમ અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિફળ છે.”
પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થીને પ્રતિષ્ઠિત ટીસીએસ પ્રાઇમ ઓફર, ચાર વિદ્યાર્થીઓને ટીસીએસ ડિજિટલ ઓફર તેમજ 18 વિદ્યાર્થીઓને ટીસીએસ નિંજા ઓફર પ્રાપ્ત થઈ છે. ભરતી પ્રક્રિયાની શરૂઆત પ્રિ-પ્લેસમેન્ટ ટોક (PPT)થી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોએ ટીસીએસ નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ (NQT) આપ્યો હતો. આ પરીક્ષામાં એપ્ટિટ્યુડ, એડવાન્સ્ડ એપ્ટિટ્યુડ, વર્બલ એબિલિટી, ઈ-મેઇલ રાઇટિંગ, કોડિંગ અને પ્રોગ્રામિંગ સહિતના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
મારવાડી યુનિવર્સિટી ટીસીએસના પ્રાયોરિટી કેમ્પસ પૈકીની એક હોવાથી કંપનીએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં જ કર્યું હતું. ભરતી પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી બાદ ટીસીએસના પેનલ દ્વારા બે દિવસ સુધી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઉમેદવારોના એકંદર પ્રદર્શનના આધારે તેમને ટીસીએસ નિંજા, ટીસીએસ ડિજિટલ અને ટીસીએસ પ્રાઇમ કેટેગરી હેઠળ ઓફર આપવામાં આવી હતી.
તાજેતરમાં યોજાયેલા પ્લેસમેન્ટ સીઝનમાં મારવાડી યુનિવર્સિટીને 500 કંપનીઓમાંથી 1,000થી વધુ નોકરીની ઓફર પ્રાપ્ત થઈ હતી, જેમાં 212 બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે. ભરતી પ્રક્રિયામાં ડેલોઇટ, અદાણી ગ્રુપ, એક્સિસ બેંક, એમેઝોન અને વિપ્રો જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને આઈટી, કન્સલ્ટિંગ, BFSI, ઈ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેર સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો મળી હતી. યુનિવર્સિટીનું સરેરાશ વાર્ષિક વેતન પેકેજ ₹5.28 લાખ રહ્યું હતું.


