કોરોનાના કેસ લગભગ બંધ થઈ ગયા છે ત્યારે જૂનાગઢના દર્દીનું રાજકોટમાં મોત થતાં ચિંતા
સમગ્ર દેશમાં હવે કોરોનાનો ભય મટી ગયો છે. લોકો રાબેતા મુજબ જીવનમાં આવી ગયા છે, ત્યારે જૂનાગઢના એક દર્દીનું રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા તબીબી આલમ સાવધ બન્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢમાં રહેતા 65 વર્ષના વૃધ્ધ મહિલાને કોવિડ ટેસ્ટીંગમાં પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા હતા જ્યાં આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. આ અંગે સિવિલના સૂત્રોએ જણાવ્યું કે મહિલાને ડાયાબીટીસ અને બ્લડપ્રેસરની બિમારી પણ હતી અને ફેફસાંમાં ઈન્ફેક્શન થયું હતું.
તબીબી સૂત્રો અનુસાર હવે કોરોના પેન્ડેમિક નથી રહ્યો, એટલે કે વિશાળ જનસંખ્યામાં ફેલાય અને તબીબી સેવાઓ ઉપર ખૂબ જ ભારણ વધારે તેવો રહ્યો નથી પરંતુ, હવે તે એન્ડેમિક એટલે કે અનકંટ્રોલ પણ ક્યારેક દેખાતો કાયમી રોગ બન્યો છે. જો કે તે ચેપી છે તેથી મનુષ્યથી મનુષ્યના સંપર્કમાં આવવાથી થઈ શકે . આ સ્થિતિમાં કોરોના મુદ્દે હવે અગાઉ જેવા કોઈ પગલા લેવાતા નથી.
ભારતમાં આજના રિપોર્ટ મૂજબ વધુ 172 કેસો અને 6 મૃત્યુ નોંધાયા છે અને કૂલ 4.50 કરોડ કોરોના દર્દીઓ આજ સુધીમાં સત્તાવાર રીતે નોંધાયા છે જેમાં 5.34 લાખના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે ગુજરાતમાં 12.92 લાખ કેસ અને સત્તાવાર મૃત્યુ 11088 નોંધાયા છે. જો કે કોરોનાની અસરથી અનેક મૃત્યુ થયા હતા. ગુજરાતમાં તા. 19 માર્ચ 2020ના દિવસે કોરોનાની રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એન્ટ્રી થઈ હતી અને એ જ સમયગાળામાં બાદ સુરતમાં એક કેસ મળ્યો હતો જે બન્ને વિદેશથી આવેલા હતા. આમ, કોરોનાના પ્રવેશને બે દિવસ પહેલા 4 વર્ષ પૂરા થયા છે.


