ધારીના ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં તસ્કરોનો હાથફેરો: ૧૧.૪૯ લાખની મતાની ચોરી
અમદાવાદના સોની પરિવારને નિશાન બનાવ્યો: દીવાલ ટપી રૂમમાં પ્રવેશી તસ્કરો પલાયન : ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના ધારી-તુલસીશ્યામ રોડ પર આવેલા જાણીતા ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં ચોરીની મોટી ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. રિસોર્ટમાં લગ્ન પ્રસંગ માણવા આવેલા અમદાવાદના એક સોની વેપારીના પરિવારને નિશાન બનાવી તસ્કરો સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૧૧,૪૯,૦૦૦ ની મતાની ચોરી ગયા છે. આ ઘટનાની વિગત મુજબ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતા હરેશભાઈ મોહનભાઈ લુહાર પરિવાર સાથે આ રિસોર્ટમાં રોકાયા હતા. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ રિસોર્ટની પાછળની દીવાલ ટપી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રિસોર્ટના રૂમ નં. ૪૦૫ ના પાછળના ભાગેથી ચઢી કાચનો સ્લાઇડર દરવાજો કુશળતાપૂર્વક ખોલી રૂમમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ રૂમમાં રાખેલી હેન્ડબેગમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટીઓ, સોનાની બુટ્ટીઓ, બે કાંડા ઘડિયાળ અને રોકડ રૂ. ૯,૦૦૦ મળી કુલ રૂ. ૧૧.૪૯ લાખના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હતો. રિસોર્ટ જેવા સુરક્ષિત સ્થળે થયેલી આ ચોરીએ પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. હાલ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે


